કલ્યાણપુરથી આશરે 19 કિલોમીટર દૂર ગાંગડી ગામની સીમમાં એક આસામીની ખેતીની જમીનના શેઢે આવેલા ઈલેક્ટ્રીક પોલના જમ્પરમાં ઈલેક્ટ્રીક પાવર ચાલુ હોય અને અહીં કામ અર્થે ગયેલા કલ્યાણપુર પીજીવીસીએલના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દેવાભાઈ ભોજાભાઈ મોરડવ નામના 29 વર્ષના યુવાન સાથે અન્ય કર્મચારી મયુરભાઈ ભાયાભાઈ કંડોરીયાને સરકારના સલામતીના નિયમોનું પાલન ન કરાવી આરોપી દેવાભાઈ રબારી ઈલેક્ટ્રીક પાવર ચાલુ હોવાથી જમ્પર આપવામાં આવશે તો માનવ મૃત્યુ થઈ શકે તેવું જાણતા હોવા છતાં પણ મયુરભાઈને જમ્પર આપવાનું કહેતા ઈલેક્ટ્રીક પોલ પર ચડતા પહેલા સેફ્ટી સાધનોનો ઉપયોગ ન કરાવીને ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી.
વીજપોલ પર ચડેલા મયુરભાઈ કંડોરીયાને વીજ લાઈન ચાલુ હોવાના કારણે તેમને વીજ કરંટ લાગતા તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે ખંભાળિયામાં રહેતા નાયબ ઇજનેર મુકેશભાઈ રવજીભાઈ નકુમની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે દેવાભાઈ ભોજાભાઈ મોરડવ સામે આઈપીસી કલમ 304 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પીએસઆઈ વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 24 એપ્રિલના રોજ બનેલા આ બનાવની ફરિયાદ ગઈકાલે બુધવારે પોલીસમાં નોંધાવવામાં આવી છે.