મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ગામેથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી અંતર્ગત એક તારીખ એક સૂત્ર હેઠળ પૂજ્ય બાપુને સ્વચ્છાંજલીના મહાશ્રમદાનના કાર્યક્રમમાં જોડાયા હતા.જેમાં કેન્દ્રીયમંત્રીએ ગામના લોકો સાથે મળીને ઉમિયાધામ મંદિર પરિસર તથા ગ્રામપંચાયતની આજુબાજુ સફાઇ કરી કચરો એકત્રિત કર્યો હતો.અને સમગ્ર દેશવાસીઓને આ મહાશ્રમદાનના અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી એ જણાવ્યું હતું કે, આપણાં રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીએ સફાઇ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા અનેક પ્રયાસો કર્યા હતા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ગાંધીજીની જન્મજયંતી નિમિતે તેઓને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપવા માટે તા.1 ઓકટોબરના રોજથી સમગ્ર દેશમાં એક તારીખ, એક કલાક મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ગામડાઓમાં સવારના 10 થી 11 એક કલાક સુધી સફાઇ અભિયાન હાથ ધરાયું છે.આજે જામનગર જિલ્લાના સિદસર ગામે લોકો સાથે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને હું પણ મહાશ્રમદાનમાં સહભાગી થયો છું. મંત્રીએ શેરી વળાવી સજ્જ કરું…ગીત ગાઈને લોકોને સ્વચ્છતા અંગે સંદેશો આપ્યો હતો.મંત્રીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં 11 કરોડ ટોઇલેટ બનાવવામાં આવ્યા છે. ગાંધીજીના સફાઇ પ્રત્યેના વિચારોને અનુસરીને સફાઇ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. તેમજ લોકોને પણ નિયમિત રીતે પોતાનું ઘર, શેરી, ગામ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
આ અભિયાનમાં મંત્રી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન રબારી, જિલ્લા કલેકટર બી.એ.શાહ, અગ્રણીઓ ડો.વિમલભાઈ કગથરા, રમેશભાઈ મૂંગરા, ઉમિયામંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ, મહામંત્રી, પ્રાંત અધિકારી ગોવાણી, તાલુકા વિકાસ અધિકારી ભૂમિકાબેન, ગામના સરપંચ ઉષાબેન,અગ્રણીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મહાશ્રમદાનમાં સહભાગી થયા હતા.