Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરઝારેરામાં શહીદ જવાન દિલીપ સોલંકીને લશ્કરી સન્માન સાથે અગ્નિદાહ

ઝારેરામાં શહીદ જવાન દિલીપ સોલંકીને લશ્કરી સન્માન સાથે અગ્નિદાહ

કોબ્રા કમાન્ડો દિલીપ સોલંકી ઓરીસ્સામાં ફરજ દરમિયાન શહીદ: કેબિનેટ મંત્રી, કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા શહીદને શ્રદ્ધાસુમન અર્પણ: ઝારેરા ગામ સ્વયંભૂ બંધ

- Advertisement -

ભાણવડ વિસ્તારના નાના એવા ઝારેરા ગામમાં સગર યુવાને ઓરિસ્સામાં માં ભોમની રક્ષા કાજે બલીદાન આપ્યા પછી તેની ગુરૂવારે રાત્રે પૂરા લશ્કરી માનપાન સાથે અંતિમ યાત્રા યોજાતા જેમાં હજારો લોકો જોડાયા હતાં. અને અશ્રુનયને શ્રધ્ધાંજલિ આપી હતી. આ તકે જિલ્લા તાલુકાના અધિકારીઓ પણ જોડાયા હતાં. લશ્કરના જવાનોએ પણ શહીદ યુવાનને અંતિમ સલામી આપતા આંશુનો દરિયો ઉમટયો હતો.

- Advertisement -

ભાણવડના નાના એવા ઝારેરા ખેડૂત ગોવાભાઈ સોલંકીનો યુવાન પુત્ર દિલીપભાઈ સોલંકી (ઉ.વ.26) આજથી સાતેક વર્ષ પહેલાં આર્મીમાં જોડાયો હતો. યુવાન દિલીપભાઈ સોલંકીને નાનપણથી આર્મીમાં જઈ દેશ સેવા કરવાનો શોખ ધરાવતો હતો અને આર્મીમાં જોડાઈ તેઓ આ સપનું પૂરુ કર્યુુ હતું.

સીઆરપીએફમાં જોડાયા બાદ શહીદ વીર દિલીપભાઈ સોલંકી કોબ્રા કમાન્ડોની ઓરિસ્સામાં મહત્વની જવાબદારી અદા કરી રહ્યો હતો. પરંતુ ફરજ દરમિયાન તે શહીદ થયો હતો. આર્મીના જવાનોએ દિલીપભાઈ સોલંકીના પરિવારને શહીદ થયો હોવાના સમાચાર આપતા માત્ર પરિવાર જ નહીં બલ્કે પુરા દેવભુમિ દ્વારકા જિલ્લામાં શોકની કાલીમા છવાઈ હતી. આર્મીના જવાનો અમદાવાદથી ભાણવડ વીર દિલીપભાઈ સોલંકી નામના યુવાનનો મૃતદેહ લઇ ભાણવડ આવી પહોંચ્યા હતાં. ત્યારે રેલવે ફાટકથી લઇ પૂરા રોડ ઉપર હજારો લોકો શીસ્તબધ્ધ રીતે કતારમાં જોડાઈ વીર શહીદ દિલીપભાઈ અમર રહોના નારા લગાવ્યા હતાં. આ તકે વાતાવરણ ગમગીન બની ગયું હતું. બાદમાં ભાણવડ થઈ દિલીપભાઈ સોલંકીના મૃતદેહને માદરે વતન ઝારેરા ગામે લઇ જવાતા, નાનું એવું ઝારેરા ગામ સ્વયંભૂબંધ હતું. કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર અશોક શર્મા, પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા સહિતના અધિકારીઓ તથા આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં અને વીર જવાન દિલીપભાઈ સોલંકીને શ્રધ્ધાસુમન અર્પણ કરી શહીદ જવાનના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને ગામના હજારો યુવાનો શહીદની અંતિમ યાત્રામાં જોડાયા હતાં. વીર દિલીપભાઈને સુપ્રસિધ્ધ ત્રિવેદી સંગમના ઘાટ પાસે આવેલા સ્મશાનમાં અગ્નિદાહ અપાયો હતો.
અત્રે નોંધનીય બાબત એ છે કે, શહીદ વીર યુવાન દિલીપભાઈ સોલંકીની છ માસ પહેલાં સગાઈ થઈ હતી અને નજીકના દિવસોમાં તેના લગ્ન પણ થવાના હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular