જામનગર તાલુકાના મોટા વાગડિયા ગામની સીમમાં પવનચકકીના પોલ ઉપર ફાઉન્ડેશન ચડાવવાનું કામ ક્રેઈન દ્વારા ચાલુ હતું તે દરમિયાન પોચી જમીનના કારણે ક્રેઈન પલ્ટી જતા બે ભાઈઓ સહિતના વ્યક્તિઓને ઈજા પહોંચતા એક યુવાનનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, રાજસ્થાનના વતની વિશ્રામસિંહ ગંગાસિંહ રાવત અને તેનો ભાઈ રાજેન્દ્ર બંને ગીરીરાજ ટ્રાન્સફોર્મમાં ટ્રેલરના ડ્રાઈવર તથા ટ્રોલી ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતાં. દરમિયાન રવિવારે બપોરના સમયે જામનગર તાલુકાના મોટા વાગડિયા ગામની સીમમાં પવનચકકી લોકેશન નં.303 ઉપર પાંખો લગાડવા માટે પવનચકકીના પોલ ઉપર ફાઉન્ડેશન ચડવવાનું ક્રેઈન દ્વારા કામ ચાલુ હતુ તે દરમિયાન વિશ્રામસિંહના કબ્જાના જીજે-12-બીટી-5304, જીજે-12-બીટી-5412 અને જીજે-12-બીટી-5216 નંબરના ટ્રેલરો તથા ટ્રોલીના ઓપરેટરો સ્થળ પર બેઠા હતાં તે દરમિયાન ક્રેઈન નીચેની જમીન પોચી હોવાના કારણે ક્રેઇનનું બેલેન્સ ખોરવાઈ જતા હવાના દબાણના કારણે પલ્ટી ખાઈ ગઈ હતી. ક્રેઈન પલ્ટી ખાઈ જતા સ્થળ પર રહેલા વિશ્રામસિંહ ગંગાસિંહ રાવત (ઉ.વ.27) અને તેનો ભાઈ રાજેન્દ્ર ગંગાસિંહ રાવત સહિતના ત્રણ થી ચાર જેટલા લોકો ઉપર ક્રેઈન પડતા ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન રાજેન્દ્ર ગંગાસિંહ રાવત (ઉ.વ.22) નામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવની મૃતકના ભાઈ વિશ્રામસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.