જામનગર શહેરના હાર્દસમા શાક માર્કેટ વિસ્તારમાં શાક માર્કેટની બહાર રહેણાંક તથા દુકાનો આવેલ છે. આ દુકાનો આજુબાજુ ટૂંકા રોડ ઉપર શાકની રેંકડી ધરાવતા લોકો ગેરકાયદેસર અડિંગો બનાવી વ્યવસાય કરે છે. જે ટ્રાફિકને નડતરરૂપ થાય છે. આ સમસ્યા વર્ષોથી અનેક વખત આ વિસ્તારના રહેવાસીઓ, વેપારીઓ દ્વારા અનેક વખત પોલીસમાં ફરિયાદો કરવામાં આવી છે. ત્યારે સીટી-સી ડિવિઝન પોલીસના પીઆઇની સૂચનાથી આ રેંકડીઓ ડિટેઇન કરી હતી.
જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા કાયમી છે. ત્યારે જામનગર શહેરના સીટી-એ ડિવિઝન પોલીસ એકશનમાં આવી છે. શહેરના ટ્રાફિક સમસ્યાથી સૌથી વધુ અસરગ્રસ્ત અને અન્ય બજારો કરતાં સાંકડા એવા શાક માર્કેટ રોડ ઉપર રેંકડીધારકોનો ત્રાસ હોવાની આ વિસ્તારના વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓની ફરિયાદના આધારે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ વી.આર. ગામેતિ સહિત સ્ટાફ દ્વારા શાક માર્કેટ વિસ્તારમાંથી 38 રેંકડી ધારકોની શાકની રેંકડી ડિટેઇન કરી ટ્રાફિક સમસ્યા દૂર કરાઇ હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ સમસ્યા વર્ષોથી જામનગર શહેરમાં છે. જે અવાર-નવાર પોલીસ દ્વારા દૂર કરાઇ છે. પરંતુ થોડા દિવસ બાદ ફરીથી જૈસે થેની સ્થિતિ એ પરત રેંકડીવાળા આવી જાય છે. જે કોની રહેમરાહે આ બધુ ચાલુ છે ? તે આ વિસ્તારના લોકોમાં પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે.