હિન્દુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શિવભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. એક માસ સુધી શહેરના શિવાલયોમાં હર-હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો. આજે શ્રાવણી અમાસ સાથે પવિત્ર એવા શ્રાવણ માસની પૂર્ણાહુતિ થઇ રહી છે. ત્યારે આજે શ્રાવણી અમાસ નિમિત્તે લોકોએ મંદિરોમાં પિતૃતર્પણ અંર્તગત પાણી અર્પણ કર્યું હતું. જામનગરના વિવિધ મંદિરોમાં આવેલ પિપળાના વૃક્ષને લોકોએ પાણી અર્પણ કરી પ્રદક્ષિણા કરી પૂજા-અર્ચના કરી હતી. શ્રાવણી અમાસ હોય, વ્હેલી સવારથી જ મંદિરોમાં દર્શનની સાથે લોકો પિપળાના વૃક્ષને પાણી અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં.