આજથી પર્વાધિરાજ પર્યૂષણ મહાપર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે જૈનોના બધા ફિરકાઓના પર્યૂષણ પર્વ સાથે આજથી શરુ થયા છે. ત્યારે જામનગર શહેરમાં સ્થાનકવાસી, દેરાવાસીઓમાં ધર્મની હેલી શરુ થઇ છે.
આગામી સાત દિવસ સુધી જામનગર શહેરમાં જૈન ઉપાશ્રયો અને સંઘો દ્વારા વ્યાખ્યાનો, પ્રતિક્રમણ સહિતના ધાર્મિક આયોજનો યોજાશે. જૈન સમાજમાં મહાપર્વ એવા પર્વાધિરાજ પર્યૂષણનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ વદ-13થી ભાદરવા સુદ-4 એટલે કે, તા. 12 થી 19 સપ્ટેમ્બર સુધી ચાલનારા પર્વાધિરાજ પર્યૂષણના મહાપર્વ નિમિત્તે જામનગર જૈન સમાજમાં હરખની હેલી છવાઇ છે. જામનગર શહેરના જિનાલયોમાં આજે સવારથી ભાઇઓ-બહેનો, બાળકો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેમાં ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસરમાં ઉપાશ્રયમાં જૈન સાધુ-સાધ્વી દ્વારા વ્યાખ્યાન આપવામાં આવેલ હતાં. વિવિધ જિનાલયોને રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. જિનાલય રાત્રીના સમય ઝળહળી ઉઠતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શેઠજી દેરાસર, મેઇન પોસ્ટ ઓફિસ પાસે પટાંગણમાં આજથી સાત દિવસ સુધી રાત્રીના 8:30 થી 11 વાગ્યા સુધી શહેરના વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી દ્વારા ભક્તિ સંગીત (ભાવના)નો જૈન-જૈનેતરો બહોળી સંખ્યામાં લાભ લેશે. આજથી શરૂ થયેલા પર્યૂષણના પર્વને લઇ આગામી સાત દિવસ સુધી ઠેર-ઠેર વ્યાખ્યાન, કલ્પસૂત્રોના ઘીની ઉછમણી, સામુહિક પ્રતિક્રમણ સહિતના વિવિધ ધાર્મિક કાયર્ર્ક્રમોનું આયોજન થશે. ત્યારબાદ તપસ્વીઓના સામુહિક પારણા અને તપસ્વીઓનો વરઘોડો (શોભાયાત્રા) યોજાશે. સ્થાનકવાસી તથા દેરાવાસીઓ સંઘના ચાર્તુમાસ દરમિયાન પધારેલા મહારાજ સાહેબો તથા સાધ્વીજીઓ ઉપાશ્રયમાં ધાર્મિક આયોજનો સંઘ દ્વારા કરાશે.