શ્રાવણ મહિનો શિવને અતિ પ્રિય છે. શ્રાવણી સોમવારના તમામ મંદિરોમાં હર-હર મહાદેવ અને બમ-બમ બોલેના ગુંજ સંભળાશે. શ્રાવણમાં શિવ-પાર્વતીની પૂજા ખૂબજ ફળદાયી છે. એટલે કે શ્રાવણને દેવાધિદેવ મહાદેવનો મહિનો કહેવાય છે. ત્યારે છોટીકાશીના તમામ શિવાલયોમાં શ્રાવણના છેલ્લા સોમવારે ભોળાનાથને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા.
છોટીકાશીના વૈજનાથ મંદિર, ગૌરીશંકર મહાદેવ, બેડેશ્ર્વર મહાદેવ, ઓમકાલેશ્ર્વર, પ્રતાપેશ્ર્વર, સોમનાથ મહાદેવ, જડેશ્ર્વર મહાદેવ, રામેશ્ર્વર મહાદેવ તેમભજ હાટકેશ્ર્વર મહાદેવ સહિત તમામ શિવાલયોમાં મહાદેવને અલગ-અલગ અને અદભૂત શણગાર કરવામાં આવ્યા હતા. જેમ કે, લગભગ મંદિરોમાં શણગારની સાથે અણકોટ પણ ધરાવાયો હતો. તો ભગવાનને નવી ચલણી નોટોના ફુલ બનાવીને તેનો શણગાર કરવામાં આવ્યો હતો, કયાંક બરફના મહાદેવ તો કયાંક રૂ માંથી બનાવેલા અમરનાથના દર્શન કરવામાં આવ્યા હતા. કોઇ મંદિરમાં જંગલ અને વરસાદની થીમ તો કયાંક મહાદેવને ફુલ, કઠોળ અને રૂદ્રાક્ષનો શણગાર કરાયો હતો.
આમ ભકતોને શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના વિવિધ સ્વરૂપો તેમજ વિવિધ શણગારોના દર્શનનો લાભ મળ્યો હતો. તેમજ ભકતોએ પણ ભોળનાથની પૂજા અર્ચના, વ્રત, ઉપવાસ તેમજ ભકિતનો આ માસમાં ભરપુર આનંદ લીધો હતો. જાણે આખી નગરી શિવમય બની હોય તેવા દ્રશ્યો હર કોઇ મંદિરમાં દેખાતા જોવા મળ્યા હતા.