સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા 4 સપ્ટેમ્બર, 2023ના રોજ વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગ હતી કે ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે, જે આજે પૂર્ણ થઈ છે. હવેથી ટ્રેન નંબર ટ્રેન નંબર 19566 દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ સોમવારે સવારે 7.28 કલાકે વાંકાનેર સ્ટેશને આવશે અને સવારે 7.30 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ દર શુક્રવારે વાંકાનેર સ્ટેશને 15.29 કલાકે આવશે અને 15.31 કલાકે ઉપડશે. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે સાંસદ કુંડારીયાનો રેલવે સુવિધાઓ વધારવામાં સતત પ્રયત્નો અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વાણિજ્ય નિરીક્ષક ઉષિજ પંડ્યાએ કર્યું હતું. આ સમારોહમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.