જામનગર આજે સવારે પ્રખર ભજનિક લક્ષ્મણ બારોટે સારવાર દરમિયાન અંતિમ શ્ર્વાસ લીધા હતાં. લક્ષ્મણ બારોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર કારગત નિવડી ન હતી. ભજનિકના નિધનથી શોકનું મોજું ફરી વળ્યું હતું. ભજનિકના પાર્થિવ દેહને તેમના ભરૂચ ખાતે આવેલા આશ્રમે લઇ જવામાં આવશે.
છોટીકાશી તરીકે પ્રખ્યાત એવા જામનગર શહેરમાં નિલકમલ સોસાયટીમાં રહેતાં પ્રખર ભજનિક લક્ષ્મણ બારોટને નાનપણમાં માતાજી નિકળ્યા હોવાથી આંખો ગુમાવી દીધી હતી. ‘આંખોની શકિત સુરમા સમાણી’ તેમ લક્ષ્મણ બારોટ ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં ભજનિક તરીકે પ્રથમ કક્ષાની હરોળમાં નામના ધરાવે છે. લક્ષ્મણ બારોટે નારાયણ સ્વામી સાથે સૌથી વધુ 100 જેટલા લાઈવ પ્રોગ્રામો જુગલબંધીમાં કર્યા છે. ભજનિક લક્ષ્મણ બારોટનો જુનાગઢ ભવનાથ તળેટીમાં 1994 ની સાલથી ઉતારો કરે છે. લક્ષ્મણ બારોટના ઉતારામાં આવેલા લોકો ભજન સાથે ભોજનનું પણ આનંદ મેળવે છે. ભજનિકની તબિયત લથડતા સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં આજે સવારે તેમનું નિધન થયું હતું.
ભજનિક લક્ષ્મણ બારોટના પાર્થિવ દેહને આજે તેમના ઘરે જામનગર લઇ આવવામાં આવ્યો હતો અને અહીંથી ભરૂચના રાજપારડી કૃષ્ણીપરી ખાતે આવેલા આશ્રમે લઇ જવામાં આવશે અને ત્યાં બુધવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. ભજનિક લક્ષ્મણ બારોટને એક પુત્ર અને ચાર પુત્રીઓ સંતાનમાં છે. હાલના સોશિયલ મીડિયાના યુગમાં પણ લક્ષ્મણ બારોટના ભજનો યુવાનોમાં બહુ જ લોકપ્રિય બન્યા છે જેના કારણે યુવાનોને ભજનમાં રૂચિ વધી ગઇ છે.