કાલાવડ તાલુકાના નાના અને મોટા પાંચદેવડા ગામે સીમ વિસ્તારમાં માલધારીઓના ઢોરઢાંખર ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડતા હોય ખેડૂતોને થતી નુકસાની અને હેરાનગતિ બંધ કરાવવા ખાતેદાર ખેડૂતોએ કલેકટર, એસ.પી. અને વન વિભાગના અધિકારીને રજૂઆત કરી છે. ખેડૂતોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમના ખેતરો આસપાસ વન વિભાગનો જંગલ વિસ્તાર આવેલો છે જયા માલધારીઓ પોતાના ઢોરઢાંખર સાથે રહે છે. જેઓ પોતાના ઢોરને ખુલ્લા મુકી દેતાં હોય તેઓ આજુબાજુના ખેતરોમાં ખેડૂતોના ઉભા પાકમાં ભેલાણ કરી નાખે છે. તેમજ જમીનને પણ ભારે નુકસાન પહોંચાડે છે. ઘણા લાંબા સમયથી ખેડૂતો આ ત્રાસ સહન કરી રહયા છે. આ અંગે જયારે માલધારીઓને તેમના ઢોર અંગે જણાવે છે તો તેઓ ખેડૂતોને ધમકી આપી મારામારી કરતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. માલધારીઓના ઢોરને કારણે જંગલ ખાતાના વૃક્ષોને પણ ભારે નુકસાન થઇ રહયું છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વન વિભાગ દ્વારા કોઇ લક્ષ્ય આપવામા નહીં આવતા માલધારીઓને છૂટો દોર મળી ગયો છે. ત્યારે ખેડૂતોની આ સમસ્યા તાકિદે નિવારવા રજુઆત કરવામાં આવી છે.