ભાણવડ તાલુકાના જામપર ગામે એક માસુમ બાળક મળી આવતા તાજા જન્મેલા આ બાળકને ત્યજી દેનારી માતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના જામપર ગામે શનિવારે એક વિસ્તારમાં વોંકરાની ઝાળી-ઝાંખરા વચ્ચે એક બાળક પડ્યું હોવાની જાણ સ્થાનિકોને થતા આ અંગે સ્થાનિક પોલીસને માહિતગાર કરવામાં આવી હતી. આ સ્થળે પોલીસે જઈને જોતા અહીં તાજુ જન્મેલું એક બાળક પડ્યું હતું. તેથી સ્થાનિકોના સહકારથી પોલીસે આ નવજાત બાળકનો કબ્જો મેળવી, તેને હોસ્પિટલમાં ખસેડ્યું હતું. કોઈ મહિલાએ પોતાના બાળકનો જન્મ છુપાવવા માટે તાજુ જન્મેલું બાળક ખુલ્લામાં ત્યજી દેતા આ અંગેની ફરિયાદ જામપર ગામના રામભાઈ કરસનભાઈ ભાટીયા એ ભાણવડ પોલીસમાં નોંધાવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 317 મુજબ ગુનો નોંધી, બિનવારસુ રીતે મળેલા આ બાળકના માતાની શોધખોળ હાથ ધરી છે.