જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવકને રાજકોટની સગીરા સાથે પ્રેમ થઈ ગયા બાદ રાજકોટથી ભગાડી ગયો હતો જે સંદર્ભે સગીરાના માતા-પિતાએ કરેલા કેસમાં જેલમાં રહ્યાનું લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગરમાં મથૂરા સોસાયટી શેરી નં.14 માં રહેતો અને મજૂરી કામ કરતો અનિલ મનસુખભાઈ બાબરીયા (ઉ.વ.22) નામના યુવકને રાજકોટમાં રહેતી સગીરા સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ પ્રેમ સંબંધમાં અનિલ રાજકોટથી સગીરાને ભગાડીને લઇ ગયો હતો ત્યારબાદ સગીરાના માતા-પિતાએ અનિલ વિરૂધ્ધ કરેલી કાર્યવાહીના કારણે અનિલને જેલમાં રહેવું પડયું હતું. આ બાબતનું મનમાં લાગી આવતા અનિલે મંગળવારે સાંજના સમયે તેના ઘરે હુંકમાં ફાળિયુ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પિતા મનસુખભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે એસ ગોવાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.