ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2024માં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં ભવ્ય રીતે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી સમીટ અનેક અર્થમાં વિશિષ્ટ બની રહેશે. ગુજરાતની ઓળખ બની ચૂકેલી વાઈબ્રન્ટ સમીટના આયોજનને 20 વર્ષનો પડાવ પુર્ણ થઈ રહ્યો છે ત્યારે આ વાઈબ્રન્ટ સમીટ 2.0 તરીકે રજૂ કરાશે. જેમાં આગામી 25 વર્ષનો રોડ મેપ બનાવાશે. 2047માં ભારતની સ્વતંત્રતાને સો વર્ષ પુર્ણ થઈ રહ્યા છે ત્યારે 25 વર્ષ પછી ભારત કેવું હશે તેની ઝલક પણ સમીટમાં જોવા મળશે. ગાંધીનગર મહાત્મા મંદિરમાં ત્રણ દિવસની વાઈબ્રન્ટ સમીટ અગાઉની સમીટ કરતા મોટાપાયે અને ભવ્ય સ્વરૂપમાં યોજવા ઉદ્યોગ વિભાગ દ્વારા તૈયારી શરુ કરી દેવાઈ છે. જેમાં ગેટ વે ટુ ધ ફયુચરના સૂત્ર સાથે ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રસ્તુત કરાશે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2003માં વાઈબ્રન્ટ સમીટની શરૂઆત કરાઈ હતી. તે પછી ગુજરાતમાં મોટાપાયે દેશ-વિદેશના જંગી મૂડીરોકાણની શરૂઆત થઈ હતી. તેના કારણે ગુજરાતની દેશના ગ્રોથ એન્જીન તરીકેની ઓળખ પણ ઉભી થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ 2003થી લઈ 2023 સુધી વાઈબ્રન્ટ સમીટનો બે દાયકાનો પડાવ પૂર્ણ થયો છે ત્યારે આ સમીટને ફકત રોકાણના હેતુ સાથે અલગ જ રીતે રજૂ કરાશે. વાઈબ્રન્ટ સમીટના કારણે ગુજરાતના લોકોની માથાદીઠ આવક 2003ના સાપેક્ષમાં 2023માં કેટલી વધી અને લોકોનું જીવન ધોરણ ઉંચુ આવ્યું તેનો અભ્યાસ કરાઈ રહ્યો છે. શ્રેણીબદ્ધ સમીટ પછી ગુજરાતનો જીડીપી ગ્રોથ કેટલો વધ્યો તેની પણ ડેટા સહિતની માહિતી તૈયાર કરાશે. તે સાથે સેગમેન્ટ વાઈઝ ગુજરાતનો સામાજીક-આર્થિક પ્રોફાઈલ બનાવવામાં આવશે.
કેન્દ્રમાં પીએમ મોદીની સરકારનું દેશને ફાઈવ ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય છે તેમાં ગુજરાત વાઈબ્રન્ટ સમીટ થકી કેવી રીતે દેશનું ઝડપથી આગળ વધતું ગ્રોથ એન્જીન બને તેની ઉપર ઉદ્યોગ વિભાગ દ્વારા ફોકસ કરાશે. સમીટના આયોજનમાં પ્રથમ વખત સીઆઈઆઈ, એસોચેમ અને ફિકકી પણ સાથે રહેશે તેના કારણે પણ સમીટનો સેગમેન્ટ વાઈઝ વ્યાપ મોટાપાયે વધશે.
10 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય કક્ષાએ રોડ-શો અને પ્રદર્શનની પણ શરુઆત કરી દેવા ઉદ્યોગ વિભાગે આયોજન કર્યું છે. સમીટ હવે 3 દિવસની નહીં પણ 365 દિવસની બની રહે તેવું પણ આયોજન કરાશે. 2019માં છેલ્લે સમીટ યોજાયા બાદ કોરોનાકાળના અંતરાયના કારણે હવે 2024માં આયોજન કરાયું છે.
વાઈબ્રન્ટ સમીટ થકી રાજયમાં આઈફોનીક ઈન્વેસ્ટમેન્ટ વધે તેની ઉપર પણ ફોકસ કરાશે. ગિફટ સીટીને કેન્દ્ર સરકાર દ્વારા ફાયનાન્સીયલ, ટેકનોલોજી અને બુલિયન ટ્રેડીંગ સહિતના સેકટરમાં પાયોનિયર તરીકે રજૂ કરાઈ રહ્યું છે. તેનો વ્યાપ વૈશ્વિક સ્તરે વધે તે માટે ગિફટ સીટીમાં ફીનટેક કંપનીઓ મોટા પ્રમાણમાં આવે તે માટે સમીટમાં ખાસ સેગમેન્ટ રખાશે. તેમાં ધોલેરા સર, સ્માર્ટ સીટીના પ્રોજેકટમાં મદદરૂપ થઈ શકે તેવી ટેકનોલોજી ધરાવતી કંપનીઓનું રોકાણ પણ મહત્વની બાબત રહેશે. તે ઉપરાંત ગુજરાત હાલ દેશમાં મોખરે છે તેવા રિન્યુએબલ એનર્જી, સિરામીક ઈન્ડસ્ટ્રીઝ, જવેલરીમાં રોકાણને મહત્વ અપાશે.
આગામી સમીટમાં પીએમ વિશ્વકર્મા યોજના મહત્વની બની રહેશે. જેમાં એમએસએમઈ, કૌશલ્ય વિકાસ અને ફાયનાન્સ એમ ત્રણેય પાસાને આવરી લેવાયા છે. જેના થકી રોજગારીની સીધી તકો વધશે અને જે તે ક્ષેત્રના કારીગરોને ફાયદો થશે. તે સાથે કોટેજ ઈન્ડસ્ટ્રીઝ, માઈક્રો-મીની-મેગા ઈન્ડસ્ટ્રીઝ તેમજ મહિલાઓને વધુ આત્મનિર્ભર બનાવવા વિમેન સ્ટાર્ટઅપ અને આંત્રપ્રિન્યોરશીપ વધે તેવા ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે.
વાઈબ્રન્ટ સમીટ પછી ગુજરાતમાં આગામી સમયમાં સેમીક્રોનથી લઈને ફયુચર ટેકનોલોજી, ગ્રીન એનર્જી સહિતના નવા જ ઉદ્યોગો સ્થપાશે તેના કારણે નોલેજ બેઝ ઈકોનોમીનો યુગ શરૂ થશે. તેને ધ્યાનમાં રાખીને યુનિ. એકેડેમીયા, યુથ સ્કીલ અપગ્રેડેશન, મેન પાવર તૈયાર કરવો અને તેવી ટ્રેનીંગ યુવાઓને મળે તેનું પણ આયોજન કરાશે.