Friday, December 27, 2024
Homeરાજ્યખંભાળિયાના પાદરમાં ગઢની રાંગના હેરિટેજ વિકાસના કામ સંદર્ભે આસામીઓને નોટિસ

ખંભાળિયાના પાદરમાં ગઢની રાંગના હેરિટેજ વિકાસના કામ સંદર્ભે આસામીઓને નોટિસ

સંભવિત દબાણ સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું

- Advertisement -

ખંભાળિયા શહેરના પાદરમાં આવેલી વર્ષો જૂની અને રજવાડાના સમયની વિશાળ દિવાલો કે જે આજે પણ “ગઢની રાંગ” તરીકે ઓળખાય છે, તે જુદી-જુદી દીવાલોને આકર્ષક રીતે સુશોભિત કરવા માટે સરકાર દ્વારા તાજેતરમાં આશરે રૂપિયા સાડા ત્રણ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ “ગઢની રાંગ” નજીક આવેલા કેટલાક આસામીઓને પોતાની મિલકત અંગેના આધાર પુરાવા રજૂ કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા પત્ર લખવામાં આવ્યા છે.

- Advertisement -

ખંભાળિયા શહેરની પ્રાચીન ધરોહર સમાન અત્રે દ્વારકા ગેટ, સલાયા ગેટ અને પોર ગેટ વિસ્તારમાં આવેલી આકર્ષક દરવાજાઓ સાથેની દિવાલ (ગઢની રાંગ) તેમજ “નવડેરા”ની પ્રાચીન ઈમારત કે જે હાલ ખૂબ જ ક્ષીણ હાલતમાં છે, તેની જાળવણી સાથે રાંગ, ગેઈટ અને નવડેરાને હેરિટેજ લુક મળે તે હેતુથી મુખ્યમંત્રી દ્વારા રૂ. 3.43 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

અહીંના દ્વારકા ગેટ, સલાયા ગેટ તથા પોર ગેટની આ વિશાળ અને વર્ષો જૂની દીવાલો પાસે કેટલાક મકાન, દુકાન તેમજ વંડાઓ હોવા અંગેનું ધ્યાને આવતા ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ વિસ્તારના આસામીઓને તેઓના માલિકી અંગેના પુરાવા દસ દિવસમાં રજૂ કરવા માટે પત્રો લખવામાં આવ્યા છે. આ જગ્યાઓ હેરિટેજ લુક માટે બાધારૂપ હોય, જો યોગ્ય આધાર પુરાવાઓ આપવામાં નહીં આવે તો આવા બાંધકામો જે-તે આસામીઓના ખર્ચે દૂર કરવામાં આવવાની સંભાવના પણ જોવા મળી રહી છે.

- Advertisement -

અહીંની એલસીબી કચેરીનો કેટલોક ભાગ પણ હેરિટેજ વિસ્તારમાં આવી જતો હોય, તેને પણ પત્ર લખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જુદા જુદા વિસ્તારોમાં ગઢની રાંગ નજીક અનેક બાંધકામો છે. આટલું જ નહીં, અહીં ભાડાપટ્ટાની જગ્યાઓ સાથે બાંધકામો ઊભા છે. ત્યારે દસ દિવસના અલ્ટીમેટમ સાથેની નોટિસ અંગેની નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીએ આવા આસામીઓને દોડતા કરી દીધા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular