દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતેથી થોડા સમય પૂર્વે ઝડપાયેલી રૂપિયા 26.28 લાખની કિંમતની 15,600થી વધુ બોટલ સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક સીરપ પ્રકરણમાં ઝડપાયેલા ખંભાળિયાના વેપારી બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ આદરી અને પંજાબ ખાતે ફેક્ટરી ધરાવતા શખ્સને ઝડપી લઇ, નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો.
ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી એલસીબી પોલીસે આયુર્વેદિક સીરપની 4,000 બોટલ ભરેલો એક શંકાસ્પદ આઇસર ટ્રક કબ્જે કરી, ઊંડાણપૂર્વકની તપાસમાં રૂપિયા 5.96 લાખની કિંમતની સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત સીરપનો જથ્થો કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ભરત નકુમ, ખંભાળિયાના વેપારી ચિરાગ થોભાણી, સુરેશ ભરવાડ તથા સિધ્ધરાજસિંહ ઝાલા દ્વારા આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ આચરી હોવાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા જરૂરી કાર્યવાહી કરી, આ પ્રકારની આલ્કોહોલ યુક્ત પીણાંનું ઉત્પાદન કરતી અમદાવાદ સ્થિત ફેક્ટરી પર દરોડો પાડીને મોટી માત્રાનો અનઅધિકૃત હાલતનો જથ્થો સીઝ કર્યો હતો.
આ પછી ગત તારીખ 10 ઓગસ્ટના રોજ ખંભાળિયા નજીકના ભાણવારી ગામના પાટીયા પાસેથી ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી તથા ડી-સ્ટાફ દ્વારા નજીક અકરમ નજીર બાનવા નામના શખ્સની દુકાનમાં દરોડો પાડી, અહીંથી પણ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત દવાની આડમાં રાખવામાં આવેલો આલ્કોહોલ યુક્ત પીણાંની રૂપિયા 26.28 લાખની કિંમતનો 15,624 બોટલનો જથ્થો કબજે કર્યો હતો. આ શખ્સ દ્વારા પોતાના ભાગીદાર તરીકે ચિરાગ થોભાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે પોલીસે જુદી-જુદી કલમ હેઠળ ત્રણેય આરોપીઓની વિધિવત રીતે ધરપકડ કરી હતી.
આ આલ્કોહોલ યુક્ત પીણાંની બોટલો પંજાબ રાજ્યના સંગુર ખાતે આવેલી નારાયણ હર્બલ નામની ફેક્ટરીમાં તૈયાર થઈ હોવાનું જણાવતા આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ટી.સી. પટેલ તથા પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા અનુભવી પોલીસ સ્ટાફની ટીમ મારફતે આ પ્રકરણમાં પંજાબના સંગુર તાલુકાના પ્રતાપ નગર ખાતે રહેતા પંકજ બ્રિજમોહન ખોસલા નામના શખ્સની અટકાયત કરી હતી. આરોપી પંકજ ખોસલા હિમાલયા કંપનીમાં ત્રણેક વર્ષ નોકરી કર્યા બાદ તેના અનુભવના આધારે પંજાબના સંગુર ખાતે નારાયણી હર્બલ નામથી આયુર્વેદિક દવા બનાવવાની ફેક્ટરી ઊભી કરી હતી. જેમાં પોતે અમુક બ્રાન્ડની આયુર્વેદિક દવાઓ બનાવતો હતો. સાથે સાથે પોતે છેલ્લા એકાદ વર્ષથી ગુજરાત રાજ્યના અમુક ગુનાહીત માનસ ધરાવતા લોકોનો સંપર્ક કરી, પોતે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવાની આડમાં ફક્ત આલ્કોહોલ યુક્ત પીણાંનું ઉત્પાદન કરી અને ગુજરાત રાજ્યને ટાર્ગેટ કરી, વેચાણ કરતો હોવાનું ખુલવા પામ્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા વિઝનપૂર્વક કરવામાં આવેલી આ સમગ્ર કામગીરીમાં સતર્કતાને લીધે આ પ્રકારે આંતરરાજ્ય ગેંગ દ્વારા થઈ રહેલા નશાના કારોબારનો પર્દાફાસ કરી, તેઓની ગુનાહિત પ્રવૃત્તિને વેગવંતી બનતી અટકાવવામાં સફળતા મળી છે. આ પ્રકરણમાં પોલીસે ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ લીલાધરભાઈ થોભાણી, શક્તિનગર વિસ્તારમાં રહેતા અકરમ નઝીર બાનવા અને પંજાબના પ્રતાપનગર ખાતે રહેતા પંકજ બ્રિજમોહન ખોસલાની ધરપકડ કરી છે.
નારાયણી હર્બલ ફેક્ટરીના નામથી આરોપી પંકજ ખોસલાએ પંજાબ સરકારના નીતિ-નિયમો મુજબ અમુક ચોક્કસ પ્રકારની આયુર્વેદિક બનાવટ તૈયાર કરવા માટેના લાયસન્સ મેળવ્યા હતા. જેનો હેતુફેર કરી, પોતે આલ્કોહોલ યુક્ત પીણું તૈયાર કરી અને ગુજરાત રાજ્યને ટાર્ગેટ કરી, મહત્તમ માત્રામાં આ પ્રકારની આલ્કોહોલ યુક્ત સીરપની બોટલોનું વેચાણ કરતો હોવાનું જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પંજાબ ખાતે પહોંચી અને સિરપની ફેક્ટરી પર દરોડાની કાર્યવાહી કરી, આરોપી શખ્સની અટકાયત કર્યા બાદ અહીંની અદાલતમાં રજૂ કરીને તેને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 26.28 લાખની કિંમતની 15,624 બોટલ સીરપ, રૂ. 15,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન તથા રૂપિયા 20,000 ની કિંમતનું એક લેપટોપ કબજે કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પંજાબ ખાતે નારાયણી હર્બલ ફેક્ટરીમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન 6500 લીટર જેટલો ઈથાઈલ (આલ્કોહોલ) નો જથ્થો મળી આવ્યો હતો. જેનાથી આયુર્વેદિક દવાની આડમાં આ જ પ્રકારની આશરે બે થી અઢી લાખ જેટલી આલ્કોહોલ યુક્ત પીણાંની બોટલો તૈયાર કરી અને ગુજરાત રાજ્યમાં સપ્લાય કરવામાં આવનાર હતી. જે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે અટકાવી હતી. આ ઉપરાંત આ ફેક્ટરીના માલિક-સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે પંજાબ ખાતેની સંબંધિત સરકારી કચેરીઓને જાણ કરવાની તજવીજ પણ કરવામાં આવી છે.
આ મહત્વની કામગીરી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ સ્ટાફના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલ, પી.આઈ. ટી.સી. પટેલ, પી.એસ.આઈ. એન.એચ. જોશી, બી.એમ. દેવમુરારી, વી.બી. પિઠીયા, અને ડી.જી. પરમાર સાથે એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, પ્રવીણભાઈ ગોજીયા, દિપકભાઈ રાવલીયા, ખીમાભાઈ કરમુર, વિગેરે સ્ટાફ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.