જામનગર નજીક ઠેબા ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા વૃદ્ધને ત્રણ શખ્સોએ વિશ્ર્વાસમાં લઇ સરદાર પાર્ક સોસાયટીમાં ટેર્નામેન્ટ બનાવી આપવા રૂા.27 લાખ પચાવી પાડી મકાનનો દસ્તાવેજ કે રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ઠેબા ચોકડી નજીક સરદાર પાર્ક પાવરહાઉસ પાછળ રહેતા રવિભાઈ રામાભાઈ ચાવડા નામના નિવૃત્ત વૃદ્ધને ઠેબા ચોકડી રેવન્યુ સર્વે નં.598 પૈકી 1 વાળી સરદાર પાર્ક 4 તરીકે ઓળખાતી જગ્યામાં સબ પ્લોટ 9/3 વાળી 928.72 ચો.ફુટ જમીનમાં બાંધકામ કરી 27 લાખમાં મકાન બનાવી આપવા માટે વિશ્ર્વાસમાં લઇ ભીમવાસમાં રહેતાં ભાવેશ ડાયા રાઠોડ, શૈલેષ ડાયા રાઠોડ, ડાયા રામજી રાઠોડ નામના પિતા અને બે પુત્રો સહિતના ત્રણ શખ્સોએ વૃદ્ધને વિશ્ર્વાસમાં લઇ મકાનના અવેજ પેટે વૃધ્ધ પાસેથી રૂા.27 લાખની રકમ પડાવી લીધી હતી તેમજ ચાર વર્ષ પહેલાં સમયાંતરે રકમ પડાવી લીધા બાદ મકાનનો દસ્તાવેજ પણ ન કરી દીધો હતો. રૂપિયા પણ પરત ન આપ્યા. જેથી આ અંગેની તપાસ કરતા મકાનવાળી જગ્યા આ ત્રણેય શખ્સોની ન હોવાનું ખૂલ્યુ હતું. જેથી વૃધ્ધે જાણ કરતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે પિતા અને પુત્રો સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.