કાલાવડ તાલુકાના શીશાંગ ગામની સીમમાં આવેલા ખેતરમાં સ્ટાર્ટરની સ્વીચ ચાલુ કરવા જતાં ખેતમજૂર મહિલાને વીજશોક લાગતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના શીશાંગ ગામની સીમમાં આવેલી અજીતસિંહ જાડેજાના ખેતરમાં મજુરીકામ કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઘટવાણી ગામના વતની ગુરલીબેન ડુંગરસીંગ બધેલ (ઉ.વ.31) નામની મહિલા બુધવારે બપોરના સમયે ખેતરની ઓરડીમાં મોટર બંધ કરવા માટે સ્ટાર્ટરની સ્વીચ બંધ કરવા જતા ડાબા હાથની ટચલી આંગણીમાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે કાલાવડના સરકારી દવાખાને ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ડુંગરસીંગ દ્વારા જાણ કરાતા હેકો જી.આઇ. જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.