દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની દ્વારકામાં આવેલા સર્કીટ હાઉસ પાછળના મેદાન ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અશોક શર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બાદમાં તેમણે એ.એસ.પી. રાઘવ જૈન સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં પોલીસ, હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ સહિતની ટુકડીઓ સહભાગી થઈ હતી.
જિલ્લા કલેકટર અશોક શર્માએ નગરજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આ શાનદાર ઉજવણીમાં ઉપસ્થિત રહેલા સર્વેને અભિનંદન પાઠવું છું. સ્વામી રામતીર્થની પંક્તિ “મે ભારત હું, સંપૂર્ણ ભારત, ભારત કી ભૂમિ મેરા શરીર હૈ, કન્યાકુમારી મેરે ચરણ હૈ, હિમાલય મેરા મસ્તક હૈ”- ને યાદ કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ વધુ યાદગાર રહી છે. માટીને નમન, વીરોને વંદન સાથે માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રધાંજલિ આપવાના આ અભિયાનમાં સામેલ થઈ આપણે સૌ આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને યાદગાર બનાવવા પ્રતિબદ્ધ છીએ. અનેક જાણીતા, અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનને કારણે આપણે આ આઝાદી મળી છે. ત્યારે આ આઝાદીને જાળવી રાખવાની જવાબદારી આપણા સૌની છે.
જી-૨૦ એ વિશ્વનું એક શક્તિશાળી સંગઠન છે. જેનું અધ્યક્ષપદ આ વર્ષે ભારતને મળેલું છે. ગુજરાતમાં અને ભારતમાં યુવા સમિટ, મહિલા સમિટ અને શહેરી સમિટ યોજાઇ રહી છે. આ સમીટોના કારણે વિશ્વના અનેક તજજ્ઞો અને વિવિધ વિષયના નિષણાંતો ગુજરાતના મહેમાન બની રહ્યા છે. જેના કારણે આગામી સમયમાં ગુજરાતમાં ઉદ્યોગો, પ્રવાસન જેવા મહત્વના ક્ષેત્રમાં ફાયદો થશે. વર્ષ 23-24 માટે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. ત્રણ લાખ કરોડથી વધુનું બજેટની ફાળવણી કરીને ગુજરાતના વિકાસની નવતર ભાષા અંકિત કરવામાં આવી છે. તેમાં દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા માટે કોરીડોર બનાવવામાં આવશે. જેનાથી રોજગારીની તકો ઊભી થશે.
પરેડ નિરીક્ષણ કરતી વખતે મહિલા પોલીસની પણ પ્લાટુન હતી. જે મહિલા સશકિતકરણ દર્શાવી રહ્યું છે. કૌશલ્યવાન યુવાઓને રોજગારી મળી રહે તે માટે રાજ્યમાં 462 જેટલા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં 2500થી વધુ કરમ્યોગીઓને નિમણુકપત્ર આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યા છે.
પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે તે માટે આયુષ્યમાન ભારત યોજના હેઠળ 25 લાખથી વધુ લાભાર્થીઓને વ્યક્તિગત આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળની સહાય વધારીને રૂ. દસ લાખ કરવામાં આવી છે. શહેરો પણ વધુ સ્માર્ટ બની રહ્યા છે.
શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે અને કન્યા કેળવણી માટે જિલ્લાનો શિક્ષણ વિભાગ સતત કાર્યરત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સ્વપ્નનું ઘર મળી રહ્યું છે. બિપરજોય વાવાઝોડા વખતે ઝીરો કેજ્યુઆલીટી રહી છે. જિલ્લા પ્રસાશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આજે એ તમામ લોકોને અભિનંદન પાઠવું છું. તેમ કલેક્ટરએ જણાવ્યું હતું
આ કાર્યક્રમ અંતર્ગત દ્વારકાના વિકાસ માટે રૂ. 25 લાખની રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. યોગનું મહત્વ સમજાવતી, દેશભક્તિ દર્શાવતી કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. તેમજ સ્વાતંત્ર્ય સેનનીઓના પરિવારજનોનું, શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ડી.વાય.એસ.પી. પરમાર, હાર્દિક પ્રજાપતિ, અને સમીર સારડા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, વિગેરે સાથે છાત્રો તેમજ નગરજનો જોડાયા હતા.


