જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ ગામ પાસે આવેલા હીરાના કારખાના સામેથી બાઈક પર પસાર થતા પિતા-પુત્રને રાજકોટ પાસીંગની પુરઝડપે આવી રહેલી કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા પુત્રનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે વૃદ્ધ પિતાને માથામાં ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં ખારાવાડા હનુમાન મંદિર પાસેના વાડી વિસ્તારમાં રહેતાં ધીરજલાલ છગનભાઈ પરમાર નામના આધેડ સોમવારે સાંજના સમયે તેના પિતા છગનભાઈને પેટમાં દુ:ખાવો થતો હોય જેથી ધ્રોલ દવા લેવા તેના જીજે-10-ડીજી-8264 નંબરના બાઈક પર જતા હતાં તે દરમિયાન ધ્રોલ નજીક હીરાના કારખાના પાસે પહોંચ્યા ત્યારે રાજકોટ તરફથી પૂરઝડપે આવી રહેલી જીજે-03-ઈસી-6322 નંબરની કારના ચાલકે પિતા-પુત્રના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક ધીરજલાલને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પિતા છગનભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
બનાવ સ્થળે પહોંચ્યા બાદ મૃતદૃેહનો કબ્જો સંભાળી મૃતકના પિતા છગનભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે મૃતકના પુત્ર રાહુલભાઈના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધની તબિયત લથડતા વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.