જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાંથી બાઈકસવાર શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની 36 બોટલ અને 96 નંગ ચપટા તથા બાઇક મળી કુલ રૂા.77,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના ઢીચડા રોડ પરથી પોલીસે શખ્સને દારૂની છ બોટલ સાથે ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 માંથી જીજે-10-ડીપી-0370 નંબરના બાઈક પર પસાર થતા ખુશાલ જીતેન્દ્રપુરી ગોસ્વામી નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.18,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 36 બોટલ તથા રૂા.9,600 ની કિંમતની 96 નંગ દારૂના ચપટા અને રૂા.50 હજારની કિંમતનું બાઇક મળી કુલ રૂા.77,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો ચિરાગ વિજય કટારમલ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું ખુલ્યું હતું.
બીજો દરોડો, જામનગરના ઢીચડા રોડ પર ઓમ સાંઈરામ પાર્કમાં રહેતા શૈલેષ મનસુખ નિમાવત નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.3,000 ની કિંમતની દારૂની છ બોટલ મળી આવતા પોલીસે શૈલેષની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી.