લાલપુર તાલુકાના ખડબા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજુરી કામ કરતા યુવાનના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતાં અને ચાર માસની પત્ની રીસામણે જતી રહેતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અજાણ્યા વૃદ્ધનું મોત નિપજતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના બાયજગવાડા ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સીમમાં આવેલી બાબુભા જાડેજાની વાડીએ મજૂરી કામ કરતો દિનેશભાઈ બહાદુરભાઈ ભાંભોર (ઉ.વ.22) નામના યુવાનના દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતાં અને લગ્નજીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે મતભેદ થતા પત્ની ચાર માસ પહેલાં ઘર છોડી તેના માવતરે જતી રહી હતી. પત્ની માવતરે ચાલી ગયાનું મનમાં લાગી આવતા યુવાને બુધવારે વહેલીસવારના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા બહાદુરભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.કે. ચાવડા તથા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરની જી. જી. હોસ્પિટલમાં મેડીકલ કેમ્પસ પાસેથી અજાણ્યા વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે હિતેનગીરી ગોસાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ આરંભી હતી.