જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામની સીમમાં ગાગવા પાટીયા નજીક અજાણ્યો પુરૂષ રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન જામનગર તરફથી પુરઝડપે આવેલા બન્કર ટ્રકના ચાલકે યુવાનને ઠોકર મારી પછાડી દેતા ખંભાના ભાગે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામની સીમમાં ગાગવા પાટીયા સામે જામનગર થી ખંભાળિયા તરફ જતા માર્ગ પર મંગળવારે સાંજના સમયે આશરે 45 વર્ષનો અજાણ્યો યુવાન રસ્તો ક્રોસ કરતો હતો તે દરમિયાન જામનગર તરફથી પુરઝડપે આવી રહેલાં બન્કરટ્રકના ચાલકે પાછળથી ઠોકર મારી જમીન પછાડી દેતા શરીરે અને ખંભામાં તથા માથાના ભાગે તથા જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક નાશી ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ વિપુલસિંહ દ્વારા કરવામાં આવતા હેકો આઈ.ડી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.