જામનગર શહેરમાં ઓશવાળ કોલોનીમાં રહેતાં વેપારી યુવાન પાસેથી ઉત્તરપ્રદેશના મેરઠના બે શખ્સોએ 38 લાખનો માલ મંગાવી 23.72 લાખની રકમ પરત ન આપી છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ઓશવાળ કોલોની શેરી નં.2 માં આવેલા કંચનમણી એપાર્ટમેન્ટમાં રહેતાં જ્યોતભાઈ ધીરજભાઈ ખીમસીયા નામના વેપારી યુવાનની ગો-મેકસ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી ઉત્તરપ્રદેશના મેરઠમાં પ્રતાપપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેેટ વિભાગમાં આવેલી રીકો બેન્જર નામની પેઢીના માલિકો પ્રમોદ અગ્રવાલ અને અનિલ અગ્રવાલ નામના બે શખ્સોએ જામનગરના વેપારી પાસેથી વર્ષ 2019-20 દરમિયાન કુલ રૂા.38,31,018 ની કિંમતનો સામાન મંગાવ્યો હતો. આ રકમ પેટે મેરઠના વેપારીઓએ આશરે 15 લાખની રકમ ચૂકવી હતી જ્યારે બાકી રહેતી રૂા.23,72,615 ની રકમનું જામનગરના વેપારી દ્વારા અવાર-નવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમ છતાં મેરઠના વેપારી દ્વારા રકમ આપતા ન હતાં. દરમિયાન ઉઘરાણી કરતા જામનગરના વેપારીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ છેતરપિંડીના બનાવ અંગેની જ્યોતભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.