જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતાં અને રીક્ષા ચલાવતા યુવાન તેના પરિવાર સાથે બહારગામ ગયો હતો તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ મકાનના તાળા તોડી રૂા.2.62 લાખની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.4.61 લાખની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતા અને રિક્ષા ચલાવતા અશ્ર્વિન વિનોદરાય નંદા તેના પરિવારજનો સાથે બહારગામ ગયા હતાં તે દરમિયાન ગુરૂવારે મધ્યરાત્રિના બે વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલી રૂા.2,62,000 ની રોકડ રકમ અને રૂા.1,75,000 ની કિંમતના સાડા ત્રણ તોલા સોનાના જુદા જુદા દાગીના તથા રૂા.24 હજારના ચાંદીના દાગીના સહિત કુલ રૂા.4,61,000 ની રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવની જાણ થતા અશ્ર્વિનભાઇ તાત્કાલિક દડિયા આવી પહોંચ્યા હતાં અને ચોરીની જાણ કરાતા પીએસઆઈ એમ.એ.મોરી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.