જામનગર સંસદીય મત વિસ્તારના ચાર મહત્વના સ્થળો પર રેલવે વિભાગ દ્વારા કોરોના સમયે રદ કરાયેલા સ્ટોપેજને પુન: શરૂ કરવા માટે હાલાર સાંસદ પૂનમબેન માડમે રેલવે મંત્રીને રજુઆત કરી હતી. આ રજુઆતને સફળતા મળતા રદ કરાયેલા સ્ટોપેજ પુન: શરૂ કરાશે.
જેમાં મુંબઇ-ઓખા ટ્રેનનો અલિયાબાળા, વડોદરા, જામનગર ઇન્ટરસીટીનો જામવંથલી, ઓખા-રાજકોટનો જાલિયાદેવાણી અને મુંબઇ-પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ તથા પોરબંદર-શાલીમાર ટ્રેનોના લાલપુર ખાતે સ્ટોપ મંજુર કરવામાં આવ્યા છે. જેની અમલવારી સાંસદ પૂનમબેનની ઉપસ્થિતિમાં લોકસભા સત્ર પુરૂ થતાં જ કરવામાં આવશે.
આ તકે સાંસદ પૂનમબેનએ રેલવેમંત્રી અશ્ર્વિની વૈષ્ણવ અને રેલવે રાજય મંત્રી દર્શનાબેન જરદોશ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે. અને વિશેષ આભાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો માન્યો છે. જેમના સામાન્ય અને છેવાડાના માનવીને યાતાયાતના મહત્વના માધ્યમ સાથે જોડાવાના સંકલ્પના લીધે રેલવે વિભાગની સીમાવર્તી જામનગર સંસદીય મત વિસ્તારને પણ રેલવેની સુવિધાઓ ટ્રેનના સ્ટોપેજ, નવી ટ્રેનો, ઇલેકટ્રિફીકશને, ડબલ ટ્રેક અને રેલવે સ્ટેશનોની સુવિધા અપગ્રેડ કરવાની હોય તે સતત થઇ રહી છે.