કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના નવાપરા વિસ્તારમાં રહેતાં ખેડૂત પ્રૌઢ સોમવારે સવારના સમયે કાલાવડમાં સરકારી દવાખાના પાસે તેની બાઈક પાર્ક કરીને ગયા હતાં તે દરમિયાન અજાણ્યા તસ્કરે બાઈકની ડેકીમાંથી રૂા.5,30,000 ની રોકડ રકમ અને બે બેંકોની ચેકબુક ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના નવાપરા વિસ્તારમાં રહેતાં ખેડૂત પ્રૌઢ જીવનભાઈ લવજીભાઇ સાંગાણી (ઉ.વ.59) સોમવારે સવારના 11:30 વાગ્યાના અરસામાં કાલાવડ ગામમાં આવેલી બેંક ઓફ બરોડામાંથી ધિરાણના રૂા.5,30,000 ની રોકડ રકમ ઉપાડી હતી. આ રકમ અને બેંક ઓફ બરોડાની તથા એકસીસ બેંકની ચેકબુક તેના જીજે-03-ડીએસ-3330 નંબરના બાઈકની ડેકીમાં રાખ્યા હતાં. ત્યારબાદ સરકારી દવાખાના પાસે બાઈક પાર્ક કર્યુ હતું તે દરમિયાન અજાણ્યા તસ્કરે ખેડૂત પ્રૌઢના બાઇકની ડેકીમાંથી લાખોની રોકડ રકમ અને બેંક ઓફ બરોડા તથા એકસીસ બેંકની ચેકબુક રાખેલી બ્લુ કલરની થેલી ગણતરીની સેક્ધડોમાં જ ચોરી કરીને લઇ ગયા હતાં. બાદમાં આ અંગેની જાણ પોલીસમાં કરાતા પીઆઇ એચ.વી. પટેલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રૌઢ ખેડૂતના નિવેદનના આધારે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.