લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલા એટીએમ મશીનમાંથી રોકડ રકમની ચોરી કરવા માટે અજાણ્યા શખ્સોએ મશીનનો સોફટવેર અને હાર્ડવેર તથા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી આશરે દોઢ લાખનું નુકસાન કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેઘપર ગામમાં જયદેવસિંહ જાડેજા નામના વેપારી યુવાનના ગાત્રાળ પ્રોવિઝન સ્ટોર્સની બાજુમાં આવેલી દુકાનમાં ચોરી કરવાના ઈરાદે તસ્કરો ઘૂસ્યા હતાં અને તસ્કરોએ દુકાનમાં રહેલા એટીએમ મશીન, આઇડી નંબર એમ. ઝેડ. 11050 માં કેસ ડ્રોવરમાંથી રોકડની ચોરી કરવા માટે સોફટવેર તથા હાર્ડવેર અને કેસ કાઉન્સીંગનું હાર્ડવેર તોડી નાખ્યું હતું. તેમજ સીસીટીવી કેમેરામાં પણ નુકસાન પહોંચાડયું હતું. તસ્કરોએ રોકડની ચોરી માટે એટીએમ મશીનમાં અંદાજે દોઢ લાખનું નુકસાન કર્યુ હતું. આ બનાવ અંગેની જયદેવસિંહ દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.