લાલપુર ગામમાં આવેલા ધરારનગર વિસ્તારમાં પુરના પાણી ઘરમાં ઘુસી જતા તણાવા લાગતા બેશુધ્ધ થઈ જવાથી યુવાનનું મોત નિપજ્યું હતું. લાલપુરના ભોળેશ્વર મહાદેવ મંદિર પાસેના ચેકડેમમાં પાણીના પ્રવાહમાં તણાઈ જતા પરપ્રાંતિય પ્રૌઢનું ડુબી જવાથી મૃત્યુ થયું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, લાલપુર ગામમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલા પડેલા વરસાદને કારણે ઢાંઢર નદીમાં પુર આવ્યા હતાં આ નદીના પુરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘુસી ગયા હતાં. જેમાં લાલપુરના ધરારનગરમાં રહેતાં અને મજૂરી કામ કરતા ભીખાભાઈ બાબુભાઈ ચોરાસી (ઉ.વ.39) નામના યુવાનના મકાનમાં બુધવારે નદીના પાણી ઘુસી જતાં ડુબવા લાગ્યો હતો. ત્યારબાદ યુવાનને બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ અજય દ્વારા જાણ કરાતા હેકો એમ.પી. વસરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના ગજણા ગામની સીમમાં મુકેશભાઇના ખેતરમાં મજૂરી કામ કરતા રતનસિંહ કાલીયા બાગલીયા (ઉ.વ.50) નામના પ્રૌઢ બુધવારે સાંજના સમયે ગજણા ગામથી ભોળેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રોડ પરથી ઘરે જતા હતાં તે દરમિયાન ચેકડેમ પાસે પહોંચતા અચાનક નદીમાં પૂર આવી જતાં પાણીના પ્રવાહમાં તણાઈ જતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હેકો એન.પી. વસરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.