Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદના પગલે રેલવે વ્યવહાર ખોરવાયો

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદના પગલે રેલવે વ્યવહાર ખોરવાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરુવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં વરસેલા દસ ઈંચ સુધીના વરસાદના કારણે રેલવે ટ્રેક પર કેટલાક સ્થળે ક્ષતિ સર્જાઈ હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. તેના પગલે દ્વારકા વિસ્તારનો રેલવે વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે હાવડાથી ઓખા તરફ જઈ રહેલી એક્સપ્રેસ ટ્રેનને ગઈકાલે રાત્રે ખંભાળિયા અટકાવી દેવામાં આવી હતી અને આ ટ્રેનના તમામ મુસાફરોને બસ મારફતે દ્વારકા અને ઓખા ખાતે મોકલવાની વ્યવસ્થા રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -

ભારે વરસાદને કારણે ઓખા-ભાટિયા સેક્શનમાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ગઈકાલે ગુરુવારે દ્વારકા જિલ્લામાં વરસેલા વ્યાપક વરસાદના પગલે ભાટિયા-ઓખામઢી અને ઓખામડી-ગોરીંઝાનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો. જેના કારણે રેલ વ્યવહારને અસર થઈ હતી. ટ્રેક ધોવાઈ ગયાની જાણ થતાં જ હાપાથી સાંજે 7:15 વાગ્યાની મોનસૂન રિઝર્વ સ્ટોક સ્પેશિયલ ટ્રેન ધોવાઈ ગયેલા વિસ્તારોમાં ટ્રેક રિપેર કરવા માટે રવાના કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 20 વેગન છે. જેમાં ટ્રેક રિપેર કરવાની સામગ્રી જેવી કે બોલ્ડર સ્ટોન, બેલાસ્ટ, સ્ટોન ડસ્ટ વિગેરે મોકલવામાં આવી છે. જેથી ટ્રેક રિપેરિંગનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી શકાય.

રેલવે દ્વારા ડિવિઝનના તમામ સ્ટેશનો પર મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી હતી. રેલવે ટ્રેક પર નજર રાખવામાં આવી રહી છે અને રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે સતત ચાલી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોને સમયસર દોડાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિને કારણે કેટલીક ટ્રેનો રદ, શોર્ટ ટર્મિનેટ અથવા રીશેડ્યૂલ કરવામાં આવી છે.
જેમાં ગઈકાલે ગુરુવારની ઓખા-વેરાવળ એક્સપ્રેસ, ઓખા-રાજકોટ સ્પેશિયલ આજની ભાવનગર – ઓખા ટ્રેન અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.

- Advertisement -

ઓખા-ભાવનગર એક્સપ્રેસને દ્વારકા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ, આ ટ્રેન દ્વારકા-ભાવનગર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

શાલીમાર-ઓખા એક્સપ્રેસને મુસાફરી ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ, આ ટ્રેન ખંભાળિયા – ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે. ભારે વરસાદના પગલે ટ્રેનો રદ કરવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular