જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલ ઇમારત ગત તા.23-6-2023ના રોજ સાંજના સમયે ધરાશાઈ થઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. તેમજ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણ લોકોના વારસદારોને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી પ્રતિ મૃતક દીઠ રૂ.4 લાખની તેમ કુલ રૂ.12 લાખની સહાય અને ઇજા પામનાર પાંચ ઇજાગ્રસ્તોને વ્યક્તિદીઠ રૂ.50 હજાર એમ કુલ રૂ.૨લાખ ૫૦હજારની સહાય મંજૂર કરી દેવામાં આવી છે. આ સહાય તેમના બેન્ક ખાતામાં DBTના માધ્યમથી જમા કરવામાં આવશે.
આજે રોજ સાંસદ પૂનમબેન માડમે સાધના કોલોની ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. અને તેમણે સાંત્વના પાઠવી હતી. ઘરના મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થતા તેમની ખોટ પૂરી થઈ શકે નહિ પરંતુ તેમના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. સાંસદએ મૃતકોના પરિવારજનો તેમજ બાળકો સાથે વાતચિત કરી તેઓને જરૂર પડે ત્યારે મદદરૂપ થવા જણાવાયું હતું. તેમજ ઇજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી કામનાઓ વ્યક્ત કરી હતી.
આ મુલાકાત દરમિયાન સાંસદ પૂનબેન સાથે મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, મામલતદાર વિપુલભાઈ સાકરીયા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.