કાલાવડ ગામમાં રહેતાં યુવાનની તેની બાજુમાં રહેતી યુવતી સાથે મનમેળ થઇ જતાં શખ્સે યુવાન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ધમકી આપી હતી. જયારે સામાપક્ષે બે ભાઈઓએ લોખંડના પાવડા વડે યુવાન ઉપર હુમલો કર્યાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં આંબેડકરનગર વિસ્તારમાં રહેતાં નીતિન જયસુખ વાઘેલા નામના યુવાનને તેની બાજુમાં રહેતી યુવતી સાથે મનમેળ થઇ ગયો હતો. જે બાબતે નીતિન અને યુવતીના પતિ વિશાલ સાથે અવાર-નવાર ઝઘડા થતા હતાં. જે બાબતનો ખાર રાખી લાગી વિશાલ દામજી વાઘેલા નામના શખ્સે નીતિન ઉપર લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. નીતિન ઉપર કરાયેલા હુમલા સંદર્ભે નીતિન અને તેનો ભાઈ પ્રતિક જયસુખ વાઘેલા બન્નેએ એકસંપ કરી ગુરૂવારે સવારના સમયે વિશાલ વાઘેલા નામના યુવાનને અપશબ્દો બોલી લોખંડના પાવડા વડે હુમલો કરી મુંઢ ઈજા પહોંચાડી ધમકી આપી હતી. તેમજ હુમલામાં ઘવાયા બાદ સારવાર માટે લઇ જતાં વિશાલને કાલાવડના સરકારી દવાખાના નજીક પ્રતિકે મારી નાખવાની ધમકી આપી હતી.
કાલાવડમાં કરાયેલા સામસામા હુમલામાં ઘવાયેલા બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ નીતિન જયસુખ વાઘેલાની વિશાલ દામજી વાઘેલા સામે તથા સામાપક્ષે વિશાલ વાઘેલાની નીતિન અને તેના ભાઈ પ્રતિક વિરૂધ્ધ હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.