લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતાં યુવાને ધંધો બરાબર ચાલતો ન હોય અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે મનમાં લાગી આવતા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના અને હાલમાં લાલપુર તાલુકાના મોડપર ગામે સરકારી દવાખાનાની પાછળ રહેતા વિજયભાઈ નગાભાઈ ભીંભા (ઉ.વ.32) નામના યુવાનને ઇકો ગાડીનો ધંધો કરતા હોય અને ધંધો બરાબર ચાલતો ન હોય આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમજ ઈકો ગાડીના હપ્તા ભરાતા ન હોય તથા પૈસા બાબતે પોંચાણ ન થતા આડાઅવરા વિચારો આવતા હોય જેનું મનમાં લાગી આવતા ગત તા.15 જૂનના રોજ પોતાના રહેણાંક મકાન પાસે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તા.13 જુલાઈના રોજ તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગે મૃતકના પત્ની નિર્જલાબેન ઉર્ફે નિરુબેન દ્વારા પોલીસને જાણ કરાતા હેકો એલ.જી. જાડેજા સહિતનો સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.