જામનગરની ડીકેવી કોલેજની આર્ટસ ફેકલ્ટીના સમયમાં ફેરફાર કરવામાં આવતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હોય, એનએસયુઆઇ તથા યુવક કોંગ્રેસ દ્વારા આજરોજ ડીકેવી કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ડીકેવી કોલેજના આચાર્યને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ચાલુ સત્રથી ડીકેવી કોલેજની આર્ટસ ફેકલ્ટીનો સમય સવારના બદલે બપોર બાદનો કરવામાં આવ્યો છે. વર્ષોથી આર્ટસ ફેકલ્ટીનો સમય સવારે 8થી 1:30નો હતો જે બદલીને 11થી સાંજે 5નો કરી નાખવામાં આવ્યો છે. જેના પરિણામે હોસ્ટલમાં રહેતાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન મળતું નથી. તેમજ અપ-ડાઉન કરતાં વિદ્યાર્થીઓને બસના સમયે અગવડતા પડે છે. આથી આર્ટસ ફેકલ્ટીના 89 વિદ્યાર્થીઓની એનએસયુઆઇને રજૂઆતને પગલે યુવક કોંગ્રેસ તથા એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
યુવક કોંગ્રેસ જામનગર શહેર પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, ગુજરાત યુવક કોંગ્રેસના મંત્રી શક્તિસિંહ જેઠવા, ગુજરાત એનએસયુઆઇ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, જામનગર એનએસયુઆઇ પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ સહિતના કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.