જામનગર તાલુકાના જુના મોખાણા ગામે નવા બનતા પુલને કારણે કાઢવામાં આવેલ ડાયર્વઝનમાં માત્ર માટી નાખવામાં આવી હોય, જેને પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ડાયર્વઝન કરવાની માગણી કરવામાં આવી છે. આ અંગે ગ્રામજનો દ્વારા હંગામો મચાવતાં કોન્ટ્રાકટર દ્વારા વ્યવસ્થિત ડાયર્વઝન બનાવી આપવાની ખાતરી આપી હતી.
મોખાણા ગામ નજીક નવા પુલનું બાંધકામ ચાલી રહ્યું છે. પુલના કામના કારણે ડાયર્વઝન કાઢવામાં આવ્યો છે. પરંતુ આ ડાયર્વઝન નદીમાંથી કાઢવામાં આવ્યો હોય અને માત્ર મોરમ અને માટી નાખવામાં આવી છે. જેના પરિણામે વરસાદના બે છાંટા પડે તો ડાયર્વઝનમાં કિચકાણ થઇ જાય છે. જેને પરિણામે ટુ-વ્હિલરો પણ નિકળી શકતા નથી. તો મોટા વાહનો ફસાઇ જતાં જેસીબીની મદદ વડે ધક્કા મારી બહાર કાઢવા પડે છે. કાચા ડાયર્વઝનના પરિણામે 15 જેટલાં ગામોના લોકોને હાલાકી પડી રહી છે. મોખાણા ગામના લોકો દ્વારા સમસ્યાના પરિણામે હોબાળો મચાવ્યો હતો. ગામના સરપંચ સહિતના લોકો દ્વારા કોન્ટ્રાકટરને સ્થળ પર બોલાવી રજૂઆત કરતાં વ્યવસ્થિત ડાયર્વઝન બનાવી આપવાની ખાતરી અપાઇ હતી.