સુરત રહેતા પરિવારના સભ્યો દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતાં. આ દરમિયાન મોટરકાર જેસીબી મશીન પાછળ ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્યને ઈજાઓ પહોંચી હતી.
દ્વારકાથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા લીંબડી – દ્વારકા હાઈવે પરથી ટાટા માંઝા મોટરકાર લઈને નીકળેલા સુરતના હજીરા રોડ ખાતે રહેતા નીરજકુમાર કપિલેશ્વર મલ્લિક નામના 49 વર્ષના યુવાન તથા તેમની સાથે જઈ રહેલા તેમના પત્ની જ્યોતિબેન તેમના સાળા, સાળાના પત્ની તેમજ સાઢુભાઈ વિગેરે સાથેની કાર ચલાવતા ફરિયાદી નીરજકુમારના સાળા સુભાષદાસ બેટ દ્વારકા ખાતે દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે સુભાષદાસભાઈએ ગફલતભરી રીતે કાર ચલાવતા આ સ્થળે રહેલા એક જે.સી.બી. મશીનની પાછળ ટાટા માંઝા કારનો અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કારમાં જઈ રહેલા જ્યોતિબેનને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે કારમાં જઈ રહેલા રૂદ્રદાસભાઈ તથા વંદનાબેન અને સીતાબેન વિગેરેને નાની મોટી-ઈજાઓ થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે કારના ચાલક સુભાષદાસ સામે આઈ.પી.સી. કલમ 279, 337, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પીએસઆઈ આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.