જામનગર શહેરમાં ગઇકાલે ગુલાબનગર નજીક શિવનગર વિસ્તારમાં જામ્યુકોના સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા કેનાલની સફાઈ કામગીરી કરાવવા જતાં સ્થાનિક લોકો સાથે બોલાચાલી થયા પછી ઝઘડો થયો હતો. જેમાં સ્થાનિકોએ સેનેટરી ઈન્સ્પેકટર ઉપર હુમલો કર્યા અંગે ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આ ઘટનામાં સામાપક્ષે એક મહિલા સહિત બે વ્યક્તિઓને પણ ઈજા થઈ હોય, સેનેટરી ઈન્સ્પેકટર સહિત ચાર શખ્સો વિરૂધ્ધ વળતી ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકાના સેનેટરી સબ ઈન્સ્પેકટર યુવરાજસિંહ હેમંતસિંહ કંચવા દ્વારા ગુલાબનગર નજીક શિવનગર વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે સરકારી ફરજના ભાગરૂપે કેનાલની સફાઈ કામ કરવા ગયા હતાં આ દરમિયાન સ્થાનિકો સાથે ઝઘડો થયો હતો. જેમાં યાસીન ઈબ્રાહિમ તથા તેના માતા દ્વારા ફરિયાદી એસએસઆઈને પોતાની કાયદેસરની કેનાલની સફાઈ કામની ફરજ નહીં બજાવવા દઈ તેમ કહી અપશબ્દો બોલી યાસીન દ્વારા ઇંટનો છૂટો ઘા કરી ઈજા પહોંચાડી હતી.તેમજ યાસીનના માતા અને અન્ય બે શખ્સો દ્વારા ફરિયાદીને લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર મારી ફરિયાદીને અંગુઠાના ભાગે બટકુ ભરી ઈજા પહોંચાડી હતી. જામ્યુકોના એસએસઆઈને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. આ સમગ્ર ઘટના અંગે યુવરાજસિંહ હેમંતસિંહ કંચવા દ્વારા સીટી બી ડીવીઝન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આર.પી. અસારી દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે સામાપક્ષે સાહીનબેન યાસીન શેખ દ્વારા પણ સમગ્ર મામલે સીટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, જામ્યુકોના એસએસઆઈ યુવરાજસિંહ હિટાચી લઇને આવી ફરિયાદીની માલિકીની જમીન પર રોડ લેવલે ઓટો કરેલ હોય જે આરોપી તોડવા લાગતા ફરિયાદીએ ઓટો ન તોડવાનું કહેતા એસએસઆઈ યુવરાજસિંહ તથા હેમંતસિંહ દ્વારા ઉશ્કેરાઈ જઇ જેમ ફાવે તેમ અપશબ્દો બોલતા અપશબ્દો બોલવાની ના પાડતા યુવરાજસિંહના ભાઈ દ્વારા લાકડાના ધોકા વડે ઈનાયતને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી તેમજ ફરિયાદી સાહીનબેન બચાવવા જતાં અન્ય એક શખ્સ દ્વારા ફરિયાદીને ધકો મારતા માથાના ભાગે ઈજા પહોંચાડી હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. આ અંગે સાહીનબેન દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.