દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસો થયા જિલ્લા પોલીસ વડા દ્વારા દેશી તથા વિદેશી દારૂના વેચાણ તથા અનઅધિકૃત રીતે ઉપયોગ કરતા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર વિસ્તાર તથા ભાણવડ પંથકમાં મોટાપાયે દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. એલસીબી પોલીસે શનિવારે કરેલી કાર્યવાહીમાં ચુડેશ્વર ગામના સીમ વિસ્તારમાંથી તોતિંગ માત્રામાં દેશી દારૂ તથા અન્ય સાધનો કબજે લીધા છે. જો કે આ પ્રકરણમાં તમામ નવ આરોપીઓ ફરાર જાહેર થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ શનિવારે એલસીબી સ્ટાફ દ્વારા આયોજનબદ્ધ રીતે દારૂ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન અજીતભાઈ બારોટ, જયદેવસિંહ જાડેજા અને ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથક હેઠળના ચુડેશ્વર ગામની નારીયા વાડી સીમમાં રહેતા મેરુ નારણ ચાવડા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની માલિકીના ખેતરમાં અન્ય એક આરોપી સિધ્ધરાજસિંહ ગંભીરસિંહ જાડેજા સાથે મળીને ભાગીદારીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની માહિતી પરથી શનિવારે એલસીબી વિભાગના પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી તથા સ્ટાફે આ સ્થળે દરોડો પાડ્યો હતો. જેમાં દરોડા દરમ્યાન પ્લાસ્ટિકના તથા લોખંડના બેરલ, કેરબા, તેમજ સિંટેક્ષની ટાંકીઓમાં ભરવામાં આવેલા 650 લીટર દેશી દારૂ, 3,500 લીટર દારૂ બનાવવાનો આથો, અખાદ્ય ગોળ તેમજ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના સાધનો ઉપરાંત રૂપિયા 65,000 ની કિંમતના બજાજ પ્લેટીના અને હોન્ડા યુનિકોન એમ બે મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,08,300 નો મુદ્દામાલ આ સ્થળેથી મળી આવ્યો હતો. જો કે પોલીસ કાર્યવાહી પૂર્વે જ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.
આ પ્રકરણમાં પોલીસે સિધ્ધરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, મેરુ નારણ ચાવડા, મયુર મેરુ ચાવડા, લખુ કોળી (ગોઈંજ), વીરા નારણ ચાવડા, વિક્રમસિંહ દેવીસંગ જાડેજા (આથમણા બારા), વિજયસિંહ જાડેજા (વચલા બારા) અને નરેન્દ્રસિંહ ગોવુભા જાડેજા (ઉગમણા બારા) નામના કુલ નવ શખ્સોની વિવિધ રીતે સંડોવણી હોવાનું ખુલતા આ અંગે પ્રથમ ચરણમાં આ નવ શખ્સો સામે સલાયા મરીન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, તેઓને ફરાર ગણવામાં આવ્યા છે. જેની તપાસ એલ.સી.બી.ના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ ચલાવી રહ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, અજીતભાઈ બારોટ, જયદેવસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર, ડાડુભાઈ જોગલ, દેવાભાઈ મોઢવાડિયા, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ, વિશ્ર્વદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.