જામનગર જિલ્લાના લાલપુરમાં બજરંગ એન્ટરપ્રાઇઝના પાર્કિંગ યાર્ડના એરિયામાંથી ગઈકાલે પાંચ શખ્સો આવી સિક્યુરિટી ગાર્ડને છરી બતાવી ટેન્કર ઉઠાવી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. તે ફરિયાદના અનુસંધાને પોલીસે લૂંટ નો ગુનો નોંધ્યા પછી પાંચેય આરોપીની અટકાયત કરી લઇ ટેન્કર કબજે કર્યું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુરના ધરારનગરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પીઠાભાઈ પરબતભાઈ કરંગીયા એ લાલપુર પોલીસ મથકમાં પોતાને છરીની અણીએ ધાક ધમકી આપી રૂપિયા સાત લાખ ની કિંમત નું જી.જે.01 ડી.વી.2344 નંબરના ટેન્કરની લૂંટ ચલાવવા અંગે ખાખરા બેલા ગામના મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, અજય રામભાઈ મકવાણા, નરેશ નાગજીભાઈ પરમાર, અસલમ અમિનભાઈ ડોસાણી, અને કિશન ભરતભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ખાખરા ગામના મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા કે જેણે બેંક મારફતે લોન મેળવીને ટેન્કર ખરીદ કર્યું હતું, જે ટેન્કર બેન્ક દ્વારા સિઝ કરીને બજરંગ એન્ટરપ્રાઇઝના પાર્કિંગના એરિયામાં રાખવામાં આવ્યું હતું. ત્યાંથી પાંચેય શખ્સો લૂંટ ચલાવી લઈ ગયા હતા. લાલપુર પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લઈ ટેન્કર કબજે કર્યું છે.