દેવભૂમિ દ્વારકામાં રહેતા એક શખ્સ દ્વારા ગાયને દોરડા વડે બાંધી અને ઘાતકીપણું આચર્યાનો વિકૃત બનાવ સામે આવ્યો છે. જેમાં એક ગૌસેવકની ફરિયાદ પરથી આરોપી સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં આનંદ ચોક ખાતે રહેતા સાગર જયંતીભાઈ કણજારીયા નામના શખ્સ દ્વારા એક ગાયને એક મંદિરની પાછળ અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને આ ગાયને દોરડા વડે બાંધીને ઘાતકીપણું આચરવામાં આવ્યું હતું. આટલું જ નહીં આરોપી શખ્સ દ્વારા ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ગૌસેવક મિતેશભાઈ અરજણભાઈ બુજડ નામના વિપ્ર યુવાનની ફરિયાદ પરથી આરોપી સાગર જયંતીભાઈ કણજારીયા સામે આઈ.પી.સી. કલમ 377 તથા પશુ પ્રત્યે ઘાતકીપણાની અધિનિયમ હેઠળ ધોરણસર ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં પોલીસે આરોપી શખ્સની અટકાયત કરી, આગળની તપાસ દ્વારકાના ઈન્ચાર્જ પી.આઈ. એ.એલ. બારસીયા ચલાવી રહ્યા છે.