દ્વારકા પંથકમાં જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન લાડવા ગામની સીમમાં એક આસામીની વાડીમાં આવેલા પડતર મકાનમાં દારૂ છૂપાવવામાં આવ્યો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા આ અંગે પોલીસે લાડવા ગામની સીમમાં દોડી જઈ અને આ સ્થળે છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 90,800 ની કિંમતની વિદેશી દારૂની 227 બોટલ કબજે કરી હતી.
આ સ્થળેથી દ્વારકામાં શ્યામવાડીની સામે રહેતા પરેશ જેરામભાઈ નકુમ નામના શખ્સની અટકાયત કરી, રૂપિયા 20,500 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 1,11,300 ના મુદ્દામાલ સાથે પરેશ નકુમની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં દ્વારકામાં એડવન્ટ સિનેમા સામે રહેતા શ્યામ માણેક નામના શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે હાલ તેને ફરાર ગણી પ્રોહી. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એસ.આઈ. બલભદ્રસિંહ ગોહિલ, ડાડુભાઈ જોગલ, મશરીભાઈ છુછર અને વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.