કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં રહેતા યુવાન ઉપર બે શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અમિતભાઈ ભીમશીભાઈ ધ્રેવાડા નામના 32 વર્ષના યુવાન સરકારી હોસ્પિટલ પાસેના રોડ પરથી જઈ રહ્યા હતા, ત્યારે આ સ્થળે રહેલા ભીખા પરબત આંબલીયા અને અનિલ ભીખા આંબલીયા નામના શખ્સો પોતાની શાકભાજીની રેંકડીથી રોડ પર રહેલી ગાયને એક તરફ ખસેડતા હતા. જેથી ફરિયાદી અમિતભાઈએ આરોપીઓને આમ કરવાની ના કહી હતી. આનાથી ઉશ્કેરાયેલા બંને શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી, મૂઢ ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.