કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને નવ વર્ષ પૂર્ણ થતાં ભાજપા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શનિવારે જામનગર શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં જનસંમેલન/કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલારના ભાજપાના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવા નિમિતે જામનગર શહેર-જિલ્લા ભાજપા દ્વારા વિવિધ સંમેલનો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત શનિવારે જામનગર શહેરના ઓશવાળ સેન્ટર ખાતે 12 જામનગર લોકસભા વિસ્તારનું જનસંમેલન /કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જામનગરમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇ મર્યાદિત સંખ્યામાં આ સંમેલનનું આયોજન કરાયું હતું. આમ જોતાં પણ હાલારના ભાજપાના કાર્યકરો ઉત્સાહભેર વિશાળ સંખ્યામાં આ સંમેલનમાં ઉપસ્થિત રહયા હતા. આ સંમેલનમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સાંસદ પૂનમબેન માડમ દ્વારા શંખ અને ઉપેરણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગર શહેર-જિલ્લા તથા દ્વારકા શહેર પ્રમુખ દ્વારા પાઘડી, ધારાસભ્યો દ્વારા ફુલહાર, મેયર દ્વારા ફોટો ફ્રેમ તેમજ ધારાસભ્ય મુળુભાઇ બેરા દ્વારા ગણેજીની મૂર્તિ આપી મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કેે, કેન્દ્રના જે કાંઇ પણ પડતર પ્રશ્ર્નો હોય તેનું નિરાકરણ આવ્યું છે. અને જામનગર તથા દ્વારકા જિલ્લા માટે જે કાંઇ પણ માંગ્યું તે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પૂરૂં પાડયું છે. તાજેતરમાં વાવાઝાડોની પરિસ્થિતિમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ડિઝાસ્ટરનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડતા નુકસાનીને તાત્કાલિક રિસ્ટોરેશન કરી વાવાઝોડા સામે સાવચેતીથી ખૂબ ઓછું નુકસાન થયું હતું.
કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમેરિકાની સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રવચન એ ઇતિહાસ રચ્યો છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત વિશ્ર્વના લોકપ્રિય નેતા બન્યા છે. જે ભારત માટે ગૌરવની બાબત છે.
મુખ્યમંત્રી એ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, હાલની કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગને ધ્યાનમાં લઇ યોજનાઓ બનાવે છે. અને તેનો લાભાર્થીઓને 100 ટકા લાભ મળે તે માટે પ્રયાસ કરે છે. દરેક દેશ તેમની મુશ્કેલી વખતે નરેન્દ્ર મોદી સામે મીટ માંડી બેઠો હોય છે. ગુજરાતમાં અગાઉ માત્ર 39 મેડિકલ કોલેજો હતી જયારે આજે 6000થી વધુ કોલેજો છે. તેમજ દેશમાં હાલ 23 એઇમ્સ પણ ઉપલબ્ધ બનાવી છે. જામનગરના લોકોએ અગાઉ પાણી અને લાઇટની સમસ્યા જોઇ છે. જેનો નરેન્દ્ર મોદીની સરકારે ઉકેલ લાવ્યો છે.
આ સંમેલનમાં સાંસદ પૂનમબેન માડમ, દ્વારકાના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, મુળુભાઇ બેરા, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઇ ચાવડા, પબુભા માણેક, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, દ્વારકા ભાજપ પ્રમુખ મયુરભાઇ ગઢવી, મેયર બીનાબેન કોઠારી, જામનગર શહેર પ્રભારી પલ્લવીબેન ઠકકર, સાંસદ તથા પ્રદેશ સહપ્રભારી સુધારી ગુપ્તા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારિયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, જામનગર શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, વસુબેન ત્રિવેદી, ચિમનભાઇ શાપરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ મેયર હસમુભાઇ જેઠવા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઇ નંદા, હસમુખભાઇ હિંડોચા, ભાજપ અગ્રણી જીતુભાઇ લાલ, સફાઇ આયોગના પૂર્વ ચેરમેન મનહરભાઇ ઝાલા સહિતના મહાનુભાવો ઉપરાંત હાલારના ભાજપાના હોદેદારો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.