જામનગરના મોહનનગર, નારાયણનગર, ગુલાબનગર વિસ્તારમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ લોકોના ઘરોમાં ભરાઇ રહેલાં વરસાદી પાણીને કારણે ફાટી નિકળેલાં લોક આક્રોશને ખાળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કૃષિમંત્રી રાઘવજી પટેલને ફોન કરી સમસ્યાનો ઉકેલ લાવવા જામનગર દોડાવ્યા હતા. મુખ્યમંત્રીનો ફોન આવતાં જ ધ્રોલમાં મિટીંગ લઇ રહેલાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે મારતી ગાડીએ જામનગર દોડી આવ્યા હતા. તેમણે ગુલાબનગર પાસે વરસાદી પાણીની સમસ્યાથી પીડિત લોકોનો આક્રોશ ખાળવા પ્રયાસ શરૂ કરી દીધા હતા. તેમણે માર્ગ પર ચકકાજામ કરી રહેલાં રહેવાસીઓને તેમની સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે પગલાં લેવાની હૈયાધારણા આપી હતી.
ત્યારબાદ મંત્રી તુરંત જામ્યુકોની કચેરીએ પહોંચ્યા હતા જયા તેમણે જામ્યુકોના પદાધિકારીઓ તેમજ કમિશન સહિતના અધિકારીઓ સાથે જામનગર શહેરમાં ઉભી થયેલી વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં શહેરના જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે તેનો તાત્કાલિક યુધ્ધના ધોરણે નિકાલ કરવા માટે કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. સાથે-સાથે આવા વિસ્તારોમાં આગામી દિવસોમાં પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે પાણીના નિકાલ બાદ તુરંત સઘન સફાઇ કામગીરી હાથ ધરવા તેમજ દવા છંટકાવ સહિતના પગલાં લેવા તાકિદ કરી હતી. લોકોના ઘરોમાં ભરાયેલાં વરસાદી પાણીને કારણે ઘરવખરીને થયેલી નુકસાની અંગેનો સર્વે કરવા માટે પણ તેમણે કમિશનરને સૂચના આપી હતી.