જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન સામાન્ય ઝાપટાંથી બે ઈંચ જેટલું પાણી વરસી ગયું છે. જેમાં જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જામજોધપુરમાં દોઢ ઈંચ પાણી પડયું હતું અને ધ્રોલમાં અડધો ઈંચ તથા જામનગર શહેરમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું.
છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં સામાન્ય ઝાપટાંથી બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેમાં જામનગર શહેરમાં માત્ર ઝાપટું વરસ્યું હતું. જ્યારે તાલુકાના લાખાબાવળમાં બે ઈંચ પાણી વરસી ગયું હતું અને દરેડમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોટી ભલસાણ, ફલ્લામાં એક-એક ઈંચ અને વસઈ તથા અલિયાબાડામાં અડધો ઈંચ ઝાપટાં રૂપે પાણી પડયું હતું. જ્યારે જામજોધપુરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો અને તાલુકા મથકે વાંસજાળિયા અને જામવાડીમાં પોણો-પોણો ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે જામનગરના ચેલાપુંજી એવા પરડવા ગામમાં સામાન્ય ઝાપટું પડયું હતું. ધ્રોલ ગામમાં અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો અને તાલુકા મથકે લતીપુરમાં અડધો ઈંચ અને જાલિયાદેવાણીમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું.
જોડિયા તાલુકાના પીઠડ ગામમાં ધીમી ધારે દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો અને લાલપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પડાણામાં દોઢ ઈંચ તથા ભણગોરમાં જોરદાર ઝાપટું પડયું હતું અને પીપરટોડા, મોડપર, હરીપરમાં સામાન્ય છાંટા પડયાના અહેવાલ છે. જ્યારે અન્ય તાલુકામથકો કોરા ધાકોડ રહ્યા છે. જામનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડાઓ મુજબ, જામનગરમાં 285 મિ.મી., જોડિયામાં 132 મિ.મી.,ધ્રોલમાં 180 મિ.મી., કાલાવડમાં 242 મિ.મી., લાલપુરમાં 165 મિ.મી. અને જામજોધપુરમાં 272 મિ.મી. વરસાદ આજ દિવસ સુધીમાં વરસી ગયો છે.