પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી આજે દેશને વધુ પાંચ વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે.પ્રધાનમંત્રીએ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી દેશમાં જુદી-જુદી પાંચ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ભોપાલથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીનો શંખ પણ ફુંકયો છે. પીએમએ અગાઉ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર બેંગલુરૂ અને ગોવા (મડગાંવ)-મુંબઈનું વર્ચ્યુઅલ લોન્ચ કર્યું હતું. બાદમાં મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ બંને ટ્રેનો રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી એક સાથે રવાના થઈ હતી. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ’આ ટ્રેનો મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર અને ઝારખંડમાં કનેક્ટિવિટી સુધારશે.’
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા વડાપ્રધાન ભોપાલથી આવ્યા છે. તેઓ ભોપાલના મોતીલાલ નહેરૂ સ્ટેડિયમ ખાતે ’મારું બૂથ, સૌથી મજબૂત’ અભિયાન હેઠળ 543 લોકસભા અને મધ્યપ્રદેશના 64,100 બૂથના 10 લાખ કાર્યકરોને ડિજિટલી સંબોધિત કરશે. તમામ રાજ્યોના વિધાનસભા ક્ષેત્રોના 3 હજાર કાર્યકરો પણ છે. વડાપ્રધાન તેમની સાથે સીધો સંવાદ કરશે. ’મારું બૂથ, સૌથી મજબૂત’ના મંચ પરથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, ’અમે ભાગ્યશાળી છીએ કે અમે ભારતમાં જન્મ લીધો છે અને એવા સમયે ભાજપના કાર્યકર્તા છીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ કરી રહ્યા છે. મોદી નામ એક મંત્ર બની ગયું છે. આજે દરેક દેશ આ મંત્રનો જાપ કરી રહ્યો છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, ’જ્યારે પાર્ટીની વાત આવે છે ત્યારે વડાપ્રધાન ક્યારેય અમને સમય આપવાનો ઇનકાર કરતા નથી.
તેઓ કુશળ વહીવટકર્તાની સાથે સંસ્થાના સારા આયોજક પણ છે. પક્ષ અને દેશને વિશ્ર્વના નકશા પર મુકવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.નડ્ડાએ કહ્યું, ’અમે દરેક લોકસભામાં 100 બૂથ અને દરેક વિધાનસભામાં 25 બૂથ લીધા જ્યાં અમે નબળા હતા. આ બૂથના સશક્તિકરણનો વિચાર પણ વડાપ્રધાન પાસેથી આવ્યો હતો. નડ્ડાએ કહ્યું, ’આજે ભારત બ્રિટનને પછાડીને 5 નંબરનું અર્થતંત્ર બની ગયું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની છે. ઈન્ટરનેશનલ મોન્ટેરી ફંડ જણાવે છે કે ભારતની ગરીબી 22% થી ઘટીને 10% થઈ ગઈ છે. અત્યંત ગરીબી ઘટીને 1% કરતા પણ ઓછી થઈ ગઈ છે.’ નડ્ડાએ ઉજ્જવલા યોજના, આયુષ્માન યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, પીએમ ગરીબ કલ્યાણ યોજના, અન્ન યોજના, કિસાન કલ્યાણ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો.