જામનગર શહેરના પવનચકકી વિસ્તારમાં આજે સવારે પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન એક સ્કૂટર ચાલક પાસેથી વાહનના દસ્તાવેજો તપાસવા માંગતા પુત્રએ તેના પિતાને બોલાવી બંનેએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. પિતાએ રસ્તામાં બેસી વિરોધ કરતા પોલીસે બંનેને પોલીસ સ્ટેશને લઇ જઇ કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પવનચકકી વિસ્તારમાં આજે સવારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન પસાર થતા બાઈકસવારને પોલસે અટકાવી બાઈકના કાગળો તપાસવા માંગતા બાઈકચાલકે કાગળો બતાવવાને બદલે તેના પિતાને ફોન કરી દીધો હતો ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ ચાલકના પિતા આવી જતા તેણે પોલીસ સાથે બોલાચાલી કરી વિરોધ કરવા રસ્તામાં બેસી ગયા હતાં. પિતા-પુત્ર દ્વારા કરાયેલા નાટકથી લોકો એકઠાં થઈ ગયા હતાં. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા પિતા-પુત્રની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યાં હતાં ત્યારબાદ મામલો થાળે પડયો હતો.