આંતરરાષ્ટ્રીય ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ ગુજરાતના જામનગર અને દ્વારકા જિલ્લામાં પ્રોજેક્ટ એક્સેલ અમલમાં મૂકવા માટે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) સાથે ભાગીદારી કરી છે. આ અભૂતપૂર્વ પહેલનો હેતુ સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાયો માટે તકો ઊભી કરવાનો છે.
પ્રોજેક્ટ એક્સેલ હેઠળ હસ્તક્ષેપના મુખ્ય ક્ષેત્રોમાંનું એક છે ‘રોજગારની પહોંચ વધારવી’, જેમાં ’21મી સદીના કૌશલ્ય વિકાસ કાર્યક્રમ’ના અમલીકરણનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામમાં કમ્યૂનિકેશન, ઇન્ટરવ્યૂ કૌશલ્ય, ડિજિટલ સાક્ષરતા, ન્યૂમરસી, લીડરશીપ, ટાઈમ મેનેજમેન્ટ, રિસ્ક મિટિગેશન અને ઉદ્યોગસાહસિકતા સહિતના 50થી વધુ આવશ્યક વિષયો આવરી લેવામાં આવ્યા છે.
ઓગસ્ટ 2021માં તેની શરૂઆત થઈ ત્યારથી આ કાર્યક્રમ 18 સંસ્થાઓ, જામનગરમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને વિવિધ ગામોમાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોનો સમાવેશ થાય છે. યુથ એમ્પ્લોયબિલિટી સર્વિસ (YES) સેન્ટર અને સામુદાયિક કેન્દ્રો દ્વારા યુવાનોને કારકિર્દી માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને પોસ્ટ પ્લેસમેન્ટ સહાય સહિત વ્યાપક સમર્થન મળે છે. નયારા એનર્જીની ભાગીદારી સાથે કુલ 3,455 યુવાનોએ આ પ્રોગ્રામ હેઠળ તાલીમ મેળવી છે તથા તેમની સંભવિતતાઓને ઉજાગર કરીને અને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગ મોકળો કર્યો છે.
વધુમાં, યુવાનોને સશક્ત બનાવવા માટે નયારા એનર્જીની પ્રતિબદ્ધતા એમ્પ્લોયબિલિટી સ્કીલ્સ ટ્રેનિંગથી આગળ વધે છે. બ્યુટી એન્ડ વેલનેસ પ્રોગ્રામ અને કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ્સ (CCC) જેવા વિશિષ્ટ અભ્યાસક્રમો દ્વારા 200થી વધુ યુવાનોને બ્યૂટી અને વેલનેસમાં તાલીમ આપવામાં આવી છે જ્યારે 40થી વધુ વ્યક્તિઓએ સફળતાપૂર્વક CCC કોર્સ પૂર્ણ કર્યો છે તથા તેમના કૌશલ્ય સમૂહને વધુ વિસ્તાર્યો છે.
UNDP સાથે નયારા એનર્જીના સહયોગની અસરકારકતા વાડીનાર યસ સેન્ટર ખાતે તાજેતરમાં યોજાયેલા પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં ઉજવવામાં આવી હતી, જ્યાં 21મી સદીના સ્કીલ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના છ બેચના 100થી વધુ ઉમેદવારોને તેમની સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રોજેક્ટ એક્સેલમાં UNDP સાથે નયારા એનર્જીની ભાગીદારી સમુદાયોને સશક્તિકરણ, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અને કાયમી પરિવર્તન લાવવાની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. સાથે મળીને તેઓ ગુજરાતના જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં યુવાનો અને ખેડૂતોના જીવન પર નોંધપાત્ર અસર કરવાનું ચાલુ રાખે છે.