ટાઈટેનિક જહાજ જોવા ગયેલા ટાઇટન સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોના કરૂણ મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ વાતની પુષ્ટિ કરતા સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સબમરીનમાં સવાર તમામ લોકો ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા માટે ઊંડા સમુદ્રમાં ગયા હતા, જ્યાં તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. 18મી જૂને ઓશનગેટ કંપનીની આ સબમરીન પ્રવાસ માટે નીકળી હતી, પરંતુ શરૂઆતના 2 કલાકમાં જ સંપર્ક તૂટી ગયો હતો.
અહેવાલ અનુસાર, સર્ચ ટીમને ટાઈટેનિક જહાજ પાસે ગુમ થયેલી સબમરીનનો કાટમાળ મળ્યો છે. અમેરિકી કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર સબમરીનનો કાટમાળ મળ્યા બાદ નિષ્ણાંતોની ટીમે તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સબમરીનનો કાટમાળ કેનેડાના જહાજમાં તૈનાત માનવરહિત રોબોટે શોધી કાઢ્યો છે. અમેરિકી કોસ્ટગાર્ડના અધિકારીઓના અહેવાલ અનુસાર ટાઈટન સબમરિનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તેના કારણે તેમાં સવાર તમામ લોકો મૃત્યુ પામી ગયા હતા. ટાઇટન સબમરીન પર સવાર પાંચેય લોકો જાણીતા અબજોપતિ હતા. તેમાં ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ, પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ, હેમિશ હાર્ડિંગ અને પોલ-હેનરી નાર્જિયોલેટનો સમાવેશ થાય છે.