જામનગર સહિત સૌરાષ્ટ્રના રેલયાત્રીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતાં તે ઇલેકટ્રીફિકેશનનું રાજકોટ ડિવિઝનનું કામ પૂર્ણ થઇ ચૂકયું છે અને હવે ટૂંકસમયમાં ઓખા સુધી ઇલેકટ્રીક ટ્રેન શરુ થઇ જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જામનગરથી પસાર થતી 9 જેટલી ઇલેકટ્રીક ટ્રેનોને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ અંગે જનપ્રતિનિધિઓ પાસે ઉદ્ઘાટનનો સમય અને કાર્યક્રમ તૈયાર કરવાનું પણ પશ્ર્ચિમ રેલવેના હેડ ક્વાર્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
રેલવેમાં અમદાવાદ સુધી ઇલેકટ્રીક લાઇન હતી. પરંતુ લોકોની સુવિધામાં વધારો કરવાના હેતુ સાથે રેલવે વિભાગ દ્વારા રાજકોટ ડિવિઝનમાં ઓખા સુધી ઇલેકટ્રીફિકેશનનું કાર્ય કરવામાં આવ્યું હતું. છેલ્લા લાંબાસમયથી આ ઇલેકટ્રીફિકેશનનું કામ ચાલી રહ્યું છે. ઓખા સુધી રેલવે તંત્ર દ્વારા ઇલેકટ્રીક લાઇન બિછાવામાં આવી છે. અગાઉ અમદાવાદ સુધી જ ઇલેકટ્રીક લાઇન હોય ત્યાં સુધી ઇલેકટ્રીક એન્જિન આવતાં હતાં ત્યારબાદ અમદાવાદ ઓખા વચ્ચે ડિઝલ એન્જિન ચાલતા હતાં. ઉલ્લેખનિય છે કે, ડિઝલ એન્જિન પર ચાલતી ટ્રેન કરતાં ઇલેકટ્રીક એન્જિન ઉપર ચાલતી ટ્રેનોની સ્પિડ વધુ હોવાથી લોકોનો સમય પણ બચશે અને સાથે સાથે ઇલેકટ્રીક ટ્રેન શરુ થવાથી પર્યાવરણને પણ ફાયદો થશે. તાજેતરમાં રાજકોટ ખાતે સાંસદો દ્વારા પણ તા. 1 જૂલાઇ સુધીમાં ઇલેકટ્રીક ટ્રેન શરુ થઇ જવાની મિડીયા સમક્ષ માહિતી આપી હતી. ત્યારે રેલવેના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ અંગે રેલવે દ્વારા ખૂબ જ ઝડપી ઇલેકટ્રીક ટ્રેન શરુ કરવા તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સમગ્ર વિસ્તારમાં ઇલેકટ્રીક લાઇનનું કામ પૂર્ણ થઇ ચૂકયું છે. તેમજ ડબલ ટ્રેકનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ-ઓખા વચ્ચે ઇલેકટ્રીફિકેશનનું કામ પૂર્ણ થઇ ગયું છે. અગાઉ રાજકોટ-ઓખા વચ્ચે ઇલેકટ્રીફિકેશનનું કામ પૂર્ણ થયા બાદ તેનું ટ્રાયલ પણ થઇ ચૂકયું હતુ અને રેલવેના અધિકારીઓ તેમજ ઇજનેરો દ્વારા આ ટ્રાયલનું નિરિક્ષણ પણ કર્યું હતું. પરંતુ અમદાવાદ-રાજકોટ વચ્ચે ઇલેકટ્રીફિકેશનનું કામ બાકી હોય જેના પરિણામે ઇલેકટ્રીક ટ્રેન અટકી હતી. પરંતુ હવે સમગ્ર રાજકોટ ડિવિઝનમાં કામ પૂર્ણ થઇ ગયું છે. ત્યારે પશ્ર્ચિમ રેલવેના હેડ કવાર્ટર મુંબઇથી ઇલેકટ્રીક ટ્રેનોને ઓખા સુધી મંજૂરી આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જામનગરથી પસાર થતી સૌરાષ્ટ્ર મેઇલ સહિત અંદાજિત 9 જેટલી ટ્રેનોને ડિઝલ એન્જિનમાંથી ઇલેકટ્રીક એન્જિનમાં દોડાવવા માટે મંજૂરી મળી છે અને આ માટે હેડ ક્વાર્ટર દ્વાર રાજકોટ ડીઆરએમને પત્ર લખી આ 9 ટ્રેનો વ્હેલી તકેે ઇલેકટ્રીક લાઇન પર દોડતી થાય તે માટે જનપ્રતિનિધિઓ થકી ઉદ્ઘાટન કરવા માટે સમય મેળવવા તેમજ કાર્યક્રમ ઘડવાની સૂચના પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઇલેકટ્રીક ટ્રેન શરુ થતાં ટ્રેનોની સ્પિડ વધવાથી મુસાફરોનો સમય બચશે અને સાથે-સાથે પર્યાવરણને પણ ફાયદો થશે.